Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

છેલ્લા પાંચ વર્ષમાં છ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી

ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૭ પછીથી સતત વધી રહી છે અને વર્ષ ૨૦૧૯માં તેમાં ઘણો વધારો જોવા મળ્યો હતો : ભારતની નાગરિકતા છોડનારા લોકોમાંથી ૪૦ ટકા લોકો અમેરિકામાં જઈને વસ્યા છેઃ તે પછી ઓસ્ટ્રેલિયા અને કેનેડાની નાગરિકતા મેળવનારા લોકોની સંખ્યા વધુ છેઃ વર્ષ ૨૦૧૯માં ૭૦૦૦ પૈસાદાર લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી

નવી દિલ્હી,તા. ૩૧: વિદેશ મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં છ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે અને તેમાંથી ૪૦ ટકા અમેરિકામાં જઈને વસ્યા છે. તે પછી ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો નંબર આવે છે. કુલ આંકાડમાં ગોલ્ડન વિઝાનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલ, માલ્ટા અને સાયપ્રસ જેવા દેશોમાં રોકાણ કરવાની સામે ગોલ્ડન વિઝા આપવામાં આવે છે.

જે ભારતીયો બીજા દેશની નાગરિકતા સ્વીકારે છે તેમણે ભારતીય પાસપોર્ટ જમા કરાવવો પડે છે, કેમકે ભારત ડ્યુઅલ સિટીઝનશિપ નથી આપતું, પરંતુ તે ઈન્ડિયા કાર્ડના ઓવરસીઝ સિટીઝન માટે અરજી કરી શકે છે, જે તેમને ભારતમાં રહેવાની, કામ કરવાની અને બિઝનેસ કરવાની મંજૂરી આપે છે.

વર્ષ ૨૦૧૭ પછીથી આ આંકડો સતત વધી રહ્યો છે અને વર્ષ ૨૦૧૯મા઼ તેમાં મોટો વધારો જોવા મળ્યો. ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ લોકોએ નાગરિકતા છોડવાની અરજી કરી હતી. વર્ષ ૨૦૨૦માં લોકડાઉનને કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં ૮૫,૨૪૮ લોકોએ નાગરિકતા છોડવાની અરજી કરી હતી. જોકે, આ વર્ષના નવ મહિનાના આંકડા દર્શાવી રહ્યા છે કે, નાગરિકતા છોડવાની અરજીઓ વધી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ ફિગર્સ મુજબ, વર્ષ ૨૦૧૯માં ૭૦૦૦ પૈસાદાર લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી, જે તાજેતરના વર્ષોનો સૌથી વધુ આંકડો છે. આ સંખ્યા દેશના કુલ ધનવાનોના ૨ ટકા જેટલો થાય છે.

હાઈ નેટ વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (ઊંચી આવક ધરાવતા લોકો)ના માઈગ્રેશનમાં ચીનનો પહેલો નંબર છે. ચીનમાંથી ૧૬,૦૦૦ અમીરોએ બીજા દેશોની નાગરિકતા સ્વીકારી લીધી છે. ૫,૫૦૦ના આંકડા સાથે રશિયાનો ત્રીજો નંબર આવે છે.

ગ્લોબલ સિટીઝનશિપ એન્ડ રેસિડન્સ એડ્વાઈઝરી હેન્લે એન્ડ પાર્ટનર્સે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણ દ્વારા માઈગ્રેશન કરવા અંગે પૂછપરછ કરનારા ભારતીયોની સંખ્યા વધી છે. ભારતીયો હવે ગ્રીસ કે પોર્ટુગલ જેવા ૨૬ શેંગેંન ઝોન દેશોમાં પ્રોપર્ટી ખરીદીને વિઝા-ફ્રી એકસેસ મળતો હોવા અંગે જાણતા થયા છે.

(10:12 am IST)