Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ચીનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ અમેરિકાનો દાવો

માણસને લકવાગ્રસ્ત બનાવી દે તેવું હથિયાર બનાવી રહ્યું છે ચીન

ચીન દુશ્મન દેશના સૈનિકો અને માણસોને લકવાગ્રસ્ત બનાવી દેતાં અને તેમના મગજને કાબૂ કરતાં હથિયાર બનાવવાનું પ્રયાસ કરી રહ્યું છે

બીજીંગ,તા. ૩૧: ચીન ઉપર આરોપ લગાવવામાં આવે છે કે, કોરોના મહામારીનો જન્મ તેની લેબમાંથી થયો છે. જો કે, અગાઉ પણ ચીન ઉપર જૈવિક હથિયાર બનાવવાના અનેક આરોપ લાગી ચૂકયા છે. તેવામાં હવે અમેરિકાએ ચીન ઉપર સનસનીખેજ આરોપ લગાવતાં દાવો કર્યો છે કે, ચીન દુશ્મન દેશોના સૈનિકોને લકવાગ્રસ્ત બનાવી દે અને તેમના મગજને કાબૂમાં કરી શકે તેવું હથિયાર બનાવી રહ્યું છે. આ મામલે અમેરિકાએ મગજને કાબૂ કરી શકે તેવું હથિયાર બનાવવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવા બદલ ચીનની એકેડમી ઓફ મેડિકલ સાયન્સિસ અને ૧૧ એફિલિયેટેડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ બ્લેકલિસ્ટ કરી દીધી છે.

ચીન શરીર પર હુમલો કરવાને બદલે દુશ્મનની ઈચ્છાશકિત પર હુમલો કરીને દુશ્મનને લકવાગ્રસ્ત બનાવવા અને પોતાના કાબૂમાં કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. જો કે, આ મામલે ચીનના રિસર્ચ ઈન્સ્ટિટ્યુટને બ્લેકલિસ્ટ કરનાર અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે વધારે જાણકારી આપવામાં આવી નથી, પણ ૨૦૧૯ના સૈન્ય ડોકયુમેન્ટ્સ સંકેત આપે છે કે બેઈજિંગ શું હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે ગત અઠવાડિયે ચીનની રિસર્ચ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરી હતી, જયારે ૨૦૧૯ના સૈન્ય દસ્તાવેજોને વોશિંગ્ટન ટાઈમ્સ દ્વારા પ્રાપ્ત કરીને તેનું અનુવાદન કરવામાં આવ્યું હતું. ચીનની એકેડમી ઓફ મિલિટ્રી મેડિકલ સાયન્સિસ અને તેની સહયોગી સંસ્થા હવે એન્ટિટી લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવી છે, જેનો અર્થ થાય છે કે હવે કોઈપણ અમેરિકન કંપનીઓ લાયસન્સ વગર તેમને માલ પહોંચાડી શકશે નહીં. આ નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે, જયારે અમેરિકાના અન્ય સરકારી વિભાગો દ્વારા અમેરિકાની કંપનીઓને ચેતવણી આપી હતી કે ચીન બાયોટેકનોલોજી સહિત અમેરિકાની મહત્વના સેકટર્સની ટેકનોલોજી હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે.

એક અધિકારીએ એફટી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ચીન જે ટેકનિકને વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે, તેમાં જીન એડિટિંગ, હ્યુમન પર્ફોર્મન્સ એન્હેન્સમેન્ટ અને બ્રેઈન મશીન ઈન્ટરફેસ સામેલ છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી જીના રાયમોંડોએ કહ્યું કે, અમને ચિંતા છે કે, ચીન આ હથિયારનો ઉપયોગ ઉઈગર મુસ્લિમ સહિત પોતાના નાગરિકોને કાબૂ કરવા માટે કરી શકે છે. ચીન પોતાની ટેકનોલોજીનો ઉપયોગ તેની જનતા અને ધાર્મિક અલ્પસંખ્યક સમૂહો ઉપર કાબૂ મેળવવા માટે કરી રહ્યું છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકતા અમે અમેરિકાની ટેકનોલોજી કે સોફ્ટવેર કે જે મેડિકલ સાયન્સ અને બાયોટેકિનકલ ઈન્નોવેશનને સમર્થન આપે છે તેમને આપવાની મંજૂરી આપી શકતા નથી. ચીન ઉપરાંત કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જયોર્જિયા, મલેશિયા અને તુર્કીની કંપનીઓને પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે, અમેરિકાનો સામાન ઈરાનની મિલિટરીને મોકલતા હતા.

(10:13 am IST)