Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સ્લેબ અને દરો પર લેવાઇ શકે છે નિર્ણય

આજે જીએસટી કાઉન્સીલની બેઠક : પેટ્રોલ-ડીઝલ પર થશે ચર્ચા!!!

નવી દિલ્હી તા. ૩૧: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે ૩૧ ડીસેમ્બર, ર૦ર૧ શુક્રવારે જીએસટી પરિષદની મહત્વની બેઠક થશે. તેમાં જીએસટીના દર ઘટાડવા બાબતે પણ નિર્ણય લેવાઇ શકે છે. જણાવાઇ રહ્યું છે કે જીએસટીના ૧ર અને ૧૮ ટકાના દરોને મર્જ કરીને એક જ દર બનાવી શકાય છે. ઘણાં સમયથી બન્ને સ્લેબને એક કરવાની માંગ થઇ રહી છે તો, ટેક્ષ્ટાઇલ અને જૂતા પર જીએસટી પાંચ ટકાથી વધારને ૧ર ટકા કરાઇ રહ્યો છે. રાજય સરકારો અને આ ક્ષેત્રના ઉદ્યોગો અને વેપારીઓ આનો વિરોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે લોકોને હજુ પણ આશા છે કે પેટ્રોલ-ડીઝલ જીએસટીના દાયરામાં આવશે જો કે આજની બેઠકમાં આ અંગે ચર્ચા થવાના કોઇ સંકેત નથી.

ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય મંત્રી સમુહે પણ જીએસટીના દરો ઘટાડવા અંગેનો પોતાનો રિપોર્ટ પરિષદને સોંપી દીધો છે તેમાં ટેક્ષ સ્લેબને મર્જ કરવાની સાથે જીએસટી વાળા કેટલાક ઉત્પાદનોને કર દાયરામાં લાવવાના સુચન પણ કરાયા છે. આ ઉપરાંત ફીટમેંટ કમિટી, જેમાં રાજયો અને કેન્દ્રના કર અધિકારીઓ સામેલ છે તેણે પણ સ્લેબ અને દરોમાં ફેરફારની ભલામણો કરી છે. અત્યારે જીએસટીના દર પ, ૧ર, ૧૮ અને ર૮ ટકા છે.જીએસટી પરિષદની આજની બેઠકમાં કપડા પર જીએસટી દર વધારવાનો મુદે છવાયેલો રહી શકે છે. ૧ જાન્યુઆરી ર૦રર થી ટેક્ષટાઇલ અને જૂતા પર જીએસટીનો દર પ ટકાથી વધીને ૧ર ટકા થવાનો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજય સરકારો અને આ સેકટરના ઉદ્યોગ અને વેપારીઓ દ્વારા થઇ રહેલા વિરોધને ધ્યાનમાં લઇને આ નિર્ણય ટાળી શકાય છે. પરિષદની ૧૭ સપ્ટેમ્બરે થયેલી બેઠકમાં ફૂટવેર અને કપડા પર જીએસટી દર સુધારવાનો નિર્ણય લેવાયો હતો.

નાણાં પ્રધાન સીતારમણ સાથે ગુરૂવારે થયેલ બજેટ પહેલાની બેઠકમાં રાજયોએ જીએસટી હેઠળ રાજસ્વની ક્ષતિપૂર્તિની વ્યવસ્થા પાંચ વર્ષ લંબાવવાની માંગણી કરી હતી. આ બેઠકમાં સામેલ છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે કહ્યું કે જીએસટી પ્રણાલી લાગુ થયા પછી રાજયોને રાજસ્વ ક્ષતિ થઇ રહી છે પણ કેન્દ્ર સરકારે હજુ સુધી તેનું પુરૃં વળતર નથી આપ્યું એટલે આ ક્ષતિપૂર્તિ વ્યવસ્થા આગામી પાંચ વર્ષ લંબાવવી જોઇએ.

(11:33 am IST)