Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેન્સેક્સમાં ૪૫૯, નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઊછાળો

વર્ષના છેલ્લા દિવસે બજારમાં તેજીથી રોકાણકારોને રાહત : ટાઇટન ૩.૫ ટકા વધીને ટોપ ગેનર હતું, કોટક બેન્ક, એસબીઆઈ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ લાભ

મુંબઈ, તા.૩૧ : મારુતિ, એસબીઆઈ અને બજાજ ફાઇનાન્સમાં મજબૂત લાભની આગેવાની હેઠળ, વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૫૦ પોઇન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો. ૩૦ શેરનો ઈન્ડેક્સ ૪૫૯.૫૦ પોઈન્ટ (૦.૮૦ ટકા) વધીને ૫૮,૨૫૩.૮૨ પર બંધ થયો હતો. એ જ રીતે, નિફ્ટી ૧૫૦.૧૦ પોઈન્ટ (૦.૮૭ ટકા)ના વધારા સાથે ૧૭,૩૫૪.૦૫ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાઇટન ૩.૫ ટકા વધીને ટોપ ગેનર હતું, ત્યારબાદ કોટક બેક્ન, એસબીઆઈ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, એચયુએલ, એક્સિસ બેક્ન અને સન ફાર્મા હતા. બીજી તરફ એનટીપીસી, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ અને ઈન્ફોસિસ પાછળ રહ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૩ ટકા ઘટીને ૭૯.૧૯ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

ટોક્યો અને દક્ષિણ કોરિયામાં શુક્રવારે શેરબજાર બંધ રહ્યા હતા. બીજી તરફ, હોંગકોંગનો હેંગસેંગ ૧.૨૪ ટકા વધ્યો હતો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૫૭ ટકા વધ્યો હતો. આ ઉપરાંત, યુરોપના સ્ટોક એક્સચેન્જો મધ્ય સત્રના સોદામાં નુકસાન સાથે વેપાર કરી રહ્યા હતા. એચડીએફસી સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ ધીરજ રેલીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧ કેવું રહ્યું... વિશ્વ કોવિડ રોગચાળામાંથી બહાર આવ્યું પરંતુ માર્ચમાં વાયરસની બીજી લહેરનો સામનો કરવો પડ્યો. જો કે, નિફ્ટી આખા વર્ષ દરમિયાન ઓક્ટોબર સુધી વધતો રહ્યો અને પછી થોડો સારો સુધારો જોવા મળ્યો હતો.

મોટી લિક્વિડિટી ઇનફ્લો, નીચા વ્યાજ દરો, સામાન્ય સ્થિતિમાં વહેલું વળતર અને વૈશ્વિક સ્તરે અને ભારતમાં અન્ય એસેટ વર્ગોમાંથી નીચા વળતરને કારણે માર્કેટ કેપ અને જીડીપી રેશિયો સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો, તેમણે જણાવ્યું હતું.

વર્ષના અંતિમ દિવસે શેરબજારે સારા સંકેત આપ્યા છે. જો કે હવે શેરબજાર બે દિવસ બંધ રહેશે. શનિવાર અને રવિવારે બંધ રહ્યા બાદ બજાર સોમવારે જ ખુલશે.

(7:25 pm IST)