Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નવી દિલ્હીમાં કોલ્ડવેવ ૩.૮ ડિગ્રીઃ યેલ્લો એલર્ટ જાહેર

પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાના પગલે દેશભરમાં તિવ્ર ઠંડીનો દોર : દિલ્હીવાસીઓને કામ વગર ઘરની બહાર ન નિકળવા સલાહઃ પંજાબ, હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ શિતલહેર જારી

નવી દિલ્હી : પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડીના કારણે લોકો પરેશાન જોવા મળ્યા હતા. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૩.૮ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જેના કારણે દિલ્હીમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે.

 હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

 હવામાન ખાતાએ કહયું છે કે ૩ જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિથી સર્જાશે. પહાડો પર ઘણા દિવસોથી થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. 

દિલ્હીમાં આગામી ત્રણ દિવસ  જોરદાર ઠંડીનો દોર જોવા મળશે. દિલ્હી-એનએસઆરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

  હવામાન શાસ્ત્રીઓના મતે દક્ષિણ-પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવન હવે ઉત્તર-પશ્ચિમ તરફ વળ્યા છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં બર્ફીલા પવનોનો  ફુંકાઇ રહયા હોય પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં શીત લહેર શરૂ થશે.

દરમિયાન હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતના જણાવ્યા અનુસાર  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો થશે. ૧ થી ૩ જાન્યુઆરી દરમિયાન પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ભારે હિમવર્ષા સાથે, ૪ થી ૭ જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

(3:14 pm IST)