Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સપા નેતાઓએ ૪ યુવાનોને પથ્થરમારો કરવા પૈસા આપીને બોલાવેલઃદારૂ પણ પીવડાવાયેલ

કાનપુરમાં પીએમ મોદીની સભામાં હિંસા ભડકાવવાના ષડયંત્રમાં નવો ઘટસ્ફોટ

પટના, તા.૩૧: કાનપુરમાં પીએમની રેલીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રમાં નવો ઘટસ્ફોટ થયો છે.

પોલીસનો દાવો છે કે, સપા નેતાઓએ પથ્થરમારો કરવા માટે ખાસ ચાર લોકોને બોલાવ્યા હતા અને આ માટે દરેકને ૧૦૦૦ રુપિયા આપવામાં આવ્યા હતા.તેમને સભા પહેલા દારુ પણ પીવડાવવામાં આવ્યો હતો.એ પછી તેમણે ઝઘડાનો વિડિયો બનાવીને વાયરલ થયો છે.

પાંચ સપા નેતાઓ સિવાય આ કેસમાં બીજા ચાર નામ સામે આવ્યા છે.આ પૈકીના બેની ધરપકડ થઈ ચુકી છે.જેની ધરપકડ કરાઈ છે તે યુવકે કહ્યુ હતુ કે, અમને કહેવામાં આવ્યુ હતુ કે, પીએમની રેલીમાં સામેલ થવાનુ છે.અમે કાનપુરમાં સભા સ્થળે પહોંચ્યા તે પહેલા સપાના નેતાઓએ અમને દારુ પીવડાવીને એક કાર બતાવી હતી.તેના પર પથ્થરમારો કરવાનો અને નારેબાજી કરવાની સૂચના અપાઈ હતી.

આ મામલામાં પોલીસ અગાઉ પાંચ સમાજવાદી પાર્ટી કાર્યકરોની ધરપકડ કરી ચુકી છે.પોલીસનુ કહેવુ છે કે, પીએમ મોદીની રેલીમાં હિંસા ભડકાવવા માટે તેમણે ગાડીમાં તોડફોડ અને આગચંપી કરી હતી.કુલ મળીને આઠ લોકો તેમાં સામેલ હતા.જેમાંથી બીજા ચારની શોધખોળ ચાલી રહી છે.

જે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તે ગાડી પણ અંકુર પટેલ નામના વ્યકિતની છે અને તે સમાજવાદી પાર્ટીમાં હોદ્દેદાર રહી ચુકયો છે.જોકે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે.

રેલીમાં હિંસા ભડકાવવાના કાવતરાનો પર્દાફાશ સીસીટીવી કેમેરા અને વિડિયો ફૂટેજના આધારે થયો હતો.રેલી પહેલા સપાના નેતાએ ગાડી પર પીએમ મોદીના પોસ્ટર લગાવીને તોડફોડ કરી હતી.એ પછી તેનો વિડિયો વાયરલ કર્યો હતો.આ વિડિયો થકી તેઓ ભાજપના કાર્યકરોને ભડકાવવા માંગતા હતા.જેથી હિંસા ભડકે અને રેલીમાં આવેલા લોકો પણ ટાર્ગેટ બને.

(3:58 pm IST)