Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અોમિક્રોનથી જ ખતમ થશે કોરોનાનેઃ જાણકારો તેને મહામારીના અંતની વેક્સીન કહી રહ્ના છે

નવી દિલ્હી તા. ૩૧: કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જ તેના અંતનું કારણ બનશે. બ્રિટીશ મેડિકલ કાઉન્સીલના પુર્વ વૈજ્ઞાનિકે આ બારામાં જાણકારી આપી છે.  એક્ષપર્ટના કથન મુજબ ઓમિક્રોનના ઝડપી ફેલાવાથી ડરવાની જરૂર નથી. આ વેરિએન્ટ જ મહામારીનો ખાત્મો બોલાવશે. ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ફેફસામાં ખુબ જ ધીમી ગતિથી ફેલાય છે. જો કે યુરોપ, અમેરિકામાં આ વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

બ્રિટીશ મેડિકલ કાઉન્સીલના પુર્વ વૈજ્ઞાનિક ડો. રામ એસ. ઉપાધ્યાયએ ઓમિક્રોનને લઇને રાહતભરી જાણકાર આપી છે. ઉપાધ્યાયના કહેવા મુજબ ડેલ્ટા વેરીએન્ટથી ઓમિક્રોન ખુબ જ અલગ છે. ડેલ્ટા ફેફસામાં નુકસાન પહોંચાડે છે. જ્યારે ઓમિક્રોન શ્વાસ નળીમાં રોકાઇ પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન જ્યારે ફેફસામાં પહોંચે છે ત્યાં સુધી તેની સ્પીડ દસ ગણી ઓછી થઇ જાય છે. માટે દર્દીઓને ઓકિસજન સપોર્ટની જરૂર નહિ પડે.

માણસની શ્વાસ નળીમાં મ્યુકોસલ ઇમ્યુન સિસ્ટમ હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમનું કેન્દ્ર હોય છે. અહિયા જ એક એન્ટિબોડી બને છે. જેને ઇમ્યુનોગ્લોબુલિન આઇજીએ કહેવાય છે. હવે જ્યારે ઓમિક્રોન શ્વાસ નળીમાં પોતાની સંખ્યા વધારે છે ત્યારે ત્યાં પહેલેથી હાજર એન્ટિબોડી જલ્દી એકટીવ થઇ જાય છે. સરળ શબ્દોમાં જોઇએ તો ઓમિક્રોન ગંભીર ખતરારૂપ બનવા પહેલા જ એન્ડિબોડી તેને ખતમ કરવાનું શરૂ કરી દે છે.  જાણકારોએ જણાવ્યું કે વાયરસને એટલો મોકો જ નથી મળતો કે તે લોકોને ગંભીર રીતે બિમાર કરી શકે. પરંતુ પહેલેથી ગંભીર બિમારી ધરાવતાં લોકોને તેનાથી તકલીફ થઇ શકે છે.

(4:00 pm IST)