Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દ.આફ્રિકાએ ૫૦ દિવસમાં ઓમિક્રોન પર કાબૂ મેળવ્યો

વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાહતના સમાચાર : સાઉથ આફ્રિકાએ નાઈટ કરફ્યૂ પણ હટાવી લીધો છે તેમજ બીજા નિયંત્રણો પણ હટાવી લેવાના શરુ કર્યા

પ્રિટોરિયા, તા.૩૧ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સહિતના દુનિયાના બીજા દેશો ચિંતામાં છે ત્યારે સાઉથ આફ્રિકામાં હવે ઓમિક્રોનના ઘટી રહેલા કેસથી દુનિયાને આશાનુ કિરણ દેખાયુ છે. સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં જ ઓમિક્રોન વેરિએન્ટ બહાર આવ્યો હતો.જોકે આ દેશે પચાસ જ દિવસમાં ઓમિક્રોન પર કાબૂ મેળવી લીધો છે.મોતના આંકડામાં પણ કોઈ વધારો જોવા મળ્યો નથી.સાઉથ આફ્રિકાએ નાઈટ કરફ્યૂ પણ હટાવી લીધો છે તેમજ બીજા નિયંત્રણો પણ હટાવી લેવાના શરુ કર્યા છે. નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો.એ પછી ઝડપથી સંક્રમણ ફેલાયુ હતુ.આ વેરિએન્ટ વધારે લોકોને સંક્રમિત કરી શકે તેમ હોવાથી એક જ દિવસમાં કોરોનાના કેસમાં  ૨૩૦૦૦નો ઉછાળો થયો હતો.

જોકે શરુઆતના ચાર સપ્તાહ સુધી તેનુ સંક્રમણ ચરમસીમા પર રહ્યા બાદ હવે છેલ્લા બે સપ્તાહથી કેસમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.હવે આ દેશમાં સંક્રમણમાં ૩૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે.રોજના ૧૧૦૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે.બેએક રાજ્યોને છોડતા અહીંયા સંક્રમણ ઘટી ગયુ છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પણ ઓછા થઈ ગયા છે.

(9:14 pm IST)