Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટસમેન ટ્રેવિસ હેડ કોરોનાથી સંક્રમિત

કોરોનાના કેસ વધતાં એસિઝ સિરિઝને લઈને ચિંતા : બંને ટીમોને ચાર્ટર પ્લેનમાં સિડની પહોંચાડવામાં આવી રહી છે અને આખી હોટલ બંને ટીમો માટે બૂક કરાઈ છે

મેલબોર્ન, તા.૩૧ : એશિઝ સિરિઝની વચ્ચે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા નથી.બંને ટીમના ખેલાડીઓ તેના કારણે ચિંતામાં છે. હવે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટસમેન ટ્રેવિસ હેડને કોરોના થયો છે.હવે ટ્રેવિસની જગ્યાએ ઉસ્માન ખ્વાજાને ટીમમાં સમાવાય તેવી શક્યતા છે.જોકે પાકિસ્તાની મૂળના ખ્વાજાએ ૨૦૧૯થી ટેસ્ટ ક્રિકેટમાં તક મેળવી નથી.હાલમાં તે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.

દરમિયાન બંને ટીમોને કોરોનાના ખતરાના કારણે ચાર્ટર પ્લેનમાં સિડની પહોંચાડવામાં આવી રહી છે અને આખી હોટલ બંને ટીમો માટે બૂક કરાઈ છે.આમ છતા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

આ પહેલા રેફરી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન કોરોનાથી સંક્રમિત થયા છે.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી.બોર્ડે કહયુ હતુ કે, બૂનની જગ્યાએ હવે સ્ટીવ બર્નાર્ડ મેચ રેફરી તરીકે ફરજ બજાવશે.એશિઝ સિરિઝની ચોથી ટેસ્ટ સિડનીમાં પાંચ જાન્યુઆરીથી રમાનારી છે.જ્યારે ડેવિડ બૂન ૧૪ જાન્યુઆરીથી હોબાર્ટમાં રમાનારી ટેસ્ટમાં વાપસી કરશે.

બૂને કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે.છતા તે સંક્રમિત થયા છે.જોકે તેમનામાં કોઈ લક્ષણ નથી.તેઓ મેલબોર્નમાં જ ક્વોરેન્ટાઈન છે.જ્યાં એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ રમાઈ હતી.

ઈંગ્લેન્ડ ટીમના કોચ ક્રિસ સિલ્વરવૂડ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.તેઓ મેલબોર્નમાં ક્વોરેન્ટાઈન છે.તેવામાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમ કોચ વગર જ મેદાનમાં ઉતરશે.આ સિરિઝ સાથે સંકળાયેલા કુલ આઠ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે.

જોકે એશિઝ સિરિઝ ઓસ્ટ્રેલિયા ૩-૦થી પહેલા જ જીતી લીધી છે.બાકીની બે ટેસ્ટ મેચ ઔપચારિકતા રહેશે.

(9:17 pm IST)