Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દેશમાં ફૂંકાઈ કોરોનાની ત્રીજી લહેર :ગુજરાત સહીત વચ્ચે 6 રાજ્યો અને 9 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ અને 9 શહેરી વિસ્તારોમાંથી કોરોનાના કેસમાં ઉછાળો

નવી દિલ્હી :  કોરોનાની ત્રીજી લહેર દેશભરમાં ફૂંકાવા લાગી છે. કોવિડ-19ના દૈનિક કેસો લગભગ 64 દિવસ બાદ 16,000 ની સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતે એક દિવસમાં સંક્રમણના 16,794 નવા કેસ નોંધ્યા છે, જ્યારે 220 દર્દીઓના મૃત્યુ સાથે મૃત્યુઆંક 4,81,080 સુધી પહોંચી ગયો છે.આ પહેલા 27 ઓક્ટોબરે 24 કલાકમાં કોરોના વાયરસના 16,158 નવા કેસ નોંધાયા હતા.

 દેશમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટના 309 નવા કેસ નોંધાયા છે ત્યારે દેશમાં આવા કેસોની કુલ સંખ્યા 1,270 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઓમીક્રોનના 1,270 કેસ નોંધાયા છે અને 374 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૦ કેસ હતા. ત્યારબાદ દિલ્હીમાં 320, કેરળમાં 109 અને ગુજરાતમાં 97 કેસ નોંધાયા હતા.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોમાં કોરોનાને લઈને જે રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે, તે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ છે. આ ઉપરાંત 9 શહેરી વિસ્તારોમાંથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કે, ક્યાં કેવી પરિસ્થિતિ છે? આરોગ્ય મંત્રાલયે છેલ્લા સાત દિવસના ડેટા સાથે 24-30 ડિસેમ્બરના ડેટાની તુલના કરી છે.

મહારાષ્ટ્રમાં હાલ 13,200 કેસ નોંધાયા હતા, જેમાં 117 ટકાનો વધારો થયો હતો, પોઝિટિવ રેટ 0.92 ટકાથી વધીને 2.59 ટકા થયો હતો. દિલ્હીમાં 2,587 કેસ નોંધાયા એટલે કે 290 ટકાનો વધારો, પોઝિટિવિટી રેટ 0.2 ટકાથી વધીને 1 ટકા થયો. ગુજરાતમાં 1,711 કેસ નોંધાયા એટલે કે 245 ટકાનો વધારો, પોઝિટિવિટી રેટ 0.19 ટકાથી વધીને 0.54 ટકા થયો. મંત્રાલયના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં 4,442 કેસ (કેસોમાં 18.49 ટકા વધારો), કર્ણાટકમાં 2,533 કેસ (26 ટકા વધારો) અને તમિલનાડુમાં 4,383 કેસ (2.35 ટકા) નોંધાયા હતા.

કેન્દ્ર દ્વારા 15-21 ડિસેમ્બરના આંકડા સાથે 22-28 ડિસેમ્બરના કેસોની તુલના કરી, જેના આધારે નવ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે: મુંબઈ શહેરમાં 232 ટકાના વધારા સાથે 2044 કેસથી વધીને 6787 કેસ, પુણે 1554 થી વધીને 2076 કેસ, થાણેમાં ૯૧૩ થી વધીને ૨૦૩૩ કેસ, બેંગલુરુ અર્બન 1445 થી વધીને 1902 કેસ, ચેન્નાઈમાં 1039 કેસથી વધીને 1,720 કેસ, મુંબઈ ઉપનગરીય 521 કેસથી વધીને 1,670 કેસ, ગુડગાંવ 194 કેસથી વધીને 738 કેસ, અમદાવાદ 207 કેસથી લઈને 635 કેસ અને નાસિકમાં ૩૩૩ કેસના ૩૮૩ કેસ નોંધાયા છે.

(12:10 am IST)