Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સાવધાન :સાયબર ઠગોએ નવો રસ્તો શોધ્યો : હવે કોરોના અને ઓમીક્રોન વેરિએન્ટના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું

મફત પરીક્ષણના નામે લોકોને બનાવે છે શિકાર :ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમ અંગે ગાઇડલાઇન બહાર પાડી

નવી દિલ્હી :કોરોના સમયગાળા દરમિયાન સાયબર ગુનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ઠગોએ લોકો સાથે છેતરપિંડી કરવાનો એક નવો રસ્તો શોધ્યો છે. હવે તેમણે કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું છે.

આ કેસોની વચ્ચે ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમ અંગે ગાઇડલાઇન બહાર પાડી છે. દેશમાં નવા સ્ટ્રેઇનના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ઠગોએ ઓમાઇક્રોન વેરિએન્ટ્સમાંથી ચેપ શોધવા માટે મફત પરીક્ષણના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું છે.

 

ગૃહ મંત્રાલયના સાયબર અને માહિતી સુરક્ષા વિભાગે એક સલાહ જારી કરી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'આરોગ્ય કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે સાયબર સુરક્ષા ઢીલી પડી રહી છે અને સાયબર ગુનેગારો તેનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયબર ગુનેગારોએ હંમેશાં લોકોને ફસાવવાની નવી રીતો અજમાવી છે. આજકાલ ઓમીક્રોન વેરિએન્ટ્સ સામે સાયબર ગુનાઓ વધી રહ્યા છે. આમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાયબર ગુનેગારો ભોળા લોકોને છેતરવા માટે વિવિધ યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે.

ગૃહમંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ઠગ ઓમીક્રોન સંક્રમણ શોધવા માટે પીસીઆર પરીક્ષણ સાથે સંબંધિત ઇ-મેઇલ મોકલે છે. તેમાં લિંક્સ અને ફાઇલો હોય છે, જે લોકોનો ડેટા ચોરી કરે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારી અને ખાનગી આરોગ્ય સેવાઓના નામનો ઉપયોગ કરીને ભોળા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આરટી-પીસીઆર ટેસ્ટ માટે લિંક પર ક્લિક કરતા ની સાથે જ લોકો ઠગ દ્વારા બનાવવામાં આવેલી બનાવટી વેબસાઇટ પર પહોંચે છે, તે ખાનગી આરોગ્ય સેવાઓ વેબસાઇટ જેવી જ હોય છે.

સાયબર ગુનેગારો આની મદદથી લોકોની માહિતી અને બેંક વિગતો મેળવે છે અને લોકોને ચૂનો બનાવે છે. સરકારે લોકોને સલાહ આપી હતી કે વેબસાઇટ અસલી છે કે બનાવટી છે તે શોધવા માટે ડોમેન નામ અને યુઆરએલ તપાસો. આવી કોઈ પણ ઘટનાની જાણ cybercrime.gov.in પોર્ટલ પર કરો.

(12:20 am IST)