Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વર્ષ ૨૦૨૧ના છેલ્લા દિવસે દેશે વધુ એક મોટો લક્ષ્‍યાંક હાંસલ કર્યો :રસીકરણનો આંકડો 145 કરોડનો આંક પાર

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, 'કોરોના વેક્સિનેશન 145 કરોડના આંકને પાર કરીને વર્ષના છેલ્લા દિવસે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી ચૂક્યુ છે

નવી દિલ્હી : દેશમાં ઓમીક્રોનના નવા કોરોના વેરિએન્ટની વધતી ગતિ સરકારની ચિંતા વધારી રહી છે ત્યારે તેનો સામનો કરવા માટે રસીકરણ ઝુંબેશ પણ ઝડપથી આગળ વધી રહી છે. આજે વર્ષ ૨૦૨૧ નો છેલ્લો દિવસ છે અને આ સાથે જ દેશે વધુ એક મોટો લક્ષ્‍યાંક હાંસલ કર્યો છે.

કોરોના રસીકરણ અભિયાનમાં મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશમાં 145 કરોડથી વધુ કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ  માંડવિયાએ આ અંગે માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૪૫ કરોડથી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'કોરોના વેક્સિનેશન 145 કરોડના આંકને પાર કરીને વર્ષના છેલ્લા દિવસે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી ચૂક્યુ છે. 2021ના પડકારજનક વર્ષમાં અપાર ધીરજ અને દ્રઢ નિશ્ચય દર્શાવવા બદલ અમારા ડોકટરો, વૈજ્ઞાનિકો, આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઇન કામદારોનો આભાર

દેશભરમાં રસીકરણ ઝુંબેશ 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટ કર્મચારીઓનું રસીકરણ ૨ ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો આગામી તબક્કો 1 માર્ચથી 60 અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકો માટે શરૂ થયો હતો. દેશે ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું હતું. બાદમાં સરકારે ૧ મેથી ૧૮ વર્ષથી વધુ ના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી હતી.

દેશમાં ઝડપથી ચાલુ રહેલા કોરોના રસીકરણ અભિયાન સાથે ઓમીક્રોન પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં ઓમીક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમીક્રોનના સૌથી વધુ ૪૫૦ અને ૩૨૦ કેસ છે. ઓમીક્રોન ધરાવતા 1,270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સાજા થયા છે. આ વાતની જાણકારી આરોગ્ય મંત્રાલયે આપી હતી. ઓમીક્રોનનો અન્ય ઘણા રાજ્યોમાં પણ વિસ્ફોટ થયો છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી છે કે, કેરળમાં ઓમીક્રોનના 44 નવા કેસ નોંધાયા છે, જે પછી રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો કુલ આંકડો 107 સુધી પહોંચી ગયો છે. દેશમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા ઓમીક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિએન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું છે.

(1:00 am IST)