મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

દિલ્હી કોંગ્રેસનો પ્રસ્તાવ

રાહુલ ગાંધી તત્કાલ પ્રભાવથી બને પાર્ટી અધ્યક્ષ

નવી દિલ્હી,તા.૧: કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કોંગ્રેસએ રાહુલ ગાંધીને તત્કાલ પ્રભાવથી પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. હકીકતમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા માટે રવિવારે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને ભવિષ્યની નીતિઓ પર જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ત્રણ પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યા છે. તેમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળવાની વિનંતી કરવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી છે. તો કોંગ્રેસના નેતા શકિત સિંહ ગોહિલે કહ્યુ કે, પાર્ટી કાર્યકર્તાઓએ દિલ્હીમાં સંગઠનને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

પાર્ટીએ જારી કરેલા નિવેદન પ્રમાણે દિલ્હી અને દેશની બગડતી સ્થિતિ, હાલની રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ પર ચર્ચા અને વિચાર માટે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર એ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ કાર્યાલય રાજીવ ભવનમાં બોલાવી હતી. બેઠકમાં હાજર નેતાઓએ ત્રણ મુખ્ય પ્રસ્તાવો પાસ કર્યા છે.

પ્રસ્તાવોમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ કિસાનોની ટ્રેકટર રેલી દરમિયાન હિંસા અને દિલ્હીની વર્તમાન સ્થિતિના જવાબદાર ઠેરવતા અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

(10:06 am IST)