મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

કોરોનાના કારણે અનેક નિષ્‍ણાંતો માનતા હતા કે સરકાર સામાન્‍ય લોકો ઉપર બોજ વધારશે પરંતુ સરકારે બજેટની સાઇઝ વધારવા ઉપર ભાર મુક્‍યોઃ નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આવકાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે બજેટને વિકાસ પર ભાર મૂકનારુ ગણાવતા જણાવ્યું કે, આ બજેટ આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. વર્ષ 2021નું બજેટ અસાધારણ પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વિકાસનો વિશ્વાસ પણ છે.

PM મોદીએ કહ્યું કે, આજના બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન પણ છે અને દરેક વર્ગનો સમાવેશ પણ કરાયો છે. આ બજેટમાં વિકાસની નવી તકો, નવી સંભાવનાનો વિસ્તાર કરવો અને યુવાઓને નવી તકો આપવાના સિદ્ધાંતો પર અમે બનાવ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા-નવા ક્ષેત્રોને વિક્સિત કરવા છે. નિયમો અને કાયદાઓને સરળ બનાવવા આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે.

કોરોનાના કારણે અનેક નિષ્ણાંતો એમ માની રહ્યાં હતા કે, સરકાર સામાન્ય લોકો પર બોઝ વધારશે, પરંતુ સરકાર બજેટની સાઈઝ વધારવા પર ભાર મૂક્યો. અમારી સરકારે સતત પ્રયત્ન કર્યાં છે કે, બજેટ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. વડાપ્રધાન મોદીએ વિકાસશીલ બજેટ માટે નાણાં મંત્રી અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આ બજેટને ખેડૂતોના હિતમાં ગણાવતા જણાવ્યું કે, બજેટમાં ખેડૂતોના ફાયદામાં અનેક જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મંડીઓને મજબૂત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય દેખાડે છે કે, આ બજેટના દિલમાં ગામ અને ખેડૂત વસે છે.

વડાપ્રધાને કહ્યું કે, મહિલાઓનું જીવન સરળ બનાવવા માટે સ્વાસ્થ્ય, પોષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર માળખાગત સુધારા કરવામાં આવ્યા છે. ગ્રોથ અને જૉબ ક્રિએશનમાં ખૂબ જ લાભ થશે. આ એવું બજેટ છે, જેને નિષ્ણાંતોએ પણ વખાણ્યું છે.

જણાવી દઈએ કે, આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં સમગ્ર દેશને નાણા મંત્રી તરફથી મોટી જાહેરાતની આશા હતા. નાણા મંત્રીએ લોકોને નિરાશ પણ નહતા કર્યા. અનેક સેક્ટરમાં નાણાં મંત્રીએ ખજાનો ખોલી દીધો. નાણા મંત્રીએ કહ્યું કે, આ બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશની GDP બે વખત માઈનસમાં ગઈ છે. તેમણે જણાવ્યું કે, આર્થિક મંદી વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. કોરોનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર માઠી અસર થઈ છે.

(5:25 pm IST)