મુખ્ય સમાચાર
News of Wednesday, 1st February 2023

બાળકીને મૂકીને કાર પાર્ક કરી દંપત્તી ચાટ ખાવા જતું રહ્યું

યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં દંપતીની બેદરકારી : ગુંગળામણ થતાં બાળકી રડતાં ઘટના સ્થળે હાજર સિપાહીએ કારનો કાંચ તોડીને બાળકીને હેમખેમ બહાર કાઢી હતી

લખનૌ, તા.૧ : યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં એક દંપતીની ઘોર બેદરકારી જોવા મળી. દંપતીએ કાર પાર્ક કરી તેમાં ૯ મહિનાની માસૂમ બાળકીને મૂકીને ચાટ ખાવા જતા રહ્યા. એક કલાક બાદ પણ જ્યારે પતિ-પત્ની પાછા ફર્યા નહીં તો બાળકી કારની અંદર રડવા લાગી. ઘટના સ્થળે હાજર એક સિપાહીએ કારનો કાચ તોડીને બાળકીને બહાર કાઢી.

બનાવની વિગત મુજબ સદર કોતવાલી નજીક એક દંપતી પોતાની લગભગ ૯ મહિનાની માસૂમ બાળકીને કારમાં એકલી મૂકીને ચાટ ખાવા જતા રહ્યા. એટલુ જ નહીં કારમાં ચાવી ભૂલી ગયા જેના કારણે ગાડી અંદરથી લોક થઈ ગઈ. બેચેનીના કારણે માસૂમ બાળકી જોર-જોરથી રડવા લાગી ત્યારે કાર નજીક ઊભેલા એક સિપાહીની નજર કારમાં બંધ માસૂમ બાળકી પર પડી. તેમણે એક કુહાડીની મદદથી કારનો પાછળનો કાચ તોડીને કારમાં ફસાયેલી માસૂમ બાળકીને બહાર કાઢી.

આ દરમિયાન ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠુ થઈ ગયુ. બાળકીના માતા-પિતાને શોધવામાં આવ્યા તો જાણ થઈ કે તેઓ થોડે દૂર ચાટ ખાઈ રહ્યા હતા. ભીડ જોઈને માતા-પિતા પણ કાર પાસે પહોંચ્યા. પોલીસે બાળકીને તેના પિતાને સોંપી. પોતાની બાળકીને સકુશળ જોઈને દંપતીએ પોલીસનો આભાર માન્યો અને બીજીવાર આવી ભૂલ ન કરવાની વાત કહી.

(7:11 pm IST)