મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

જીએસટીના ખાતામાં ક્રેડિટ છતાં વેપારીઓને ૧ ટકા રોકડામાં ટેકસ ભરવાની નોબત

જીએસટીની ૮૬(બી)ની કલમ વેપારીઓ માટે ત્રાસદાયક બની : મહિને ૫૦ લાખથી વધુની સર્વિસ પુરી પાડનાર માટે આ કલમ હેરાનગતિરૂપ

મુંબઈ, તા. ૧ :. જીએસટીની આંટીઘુંટીઓ સામે વેપારી વર્ગમાં ફરી સરળીકરણની માંગ ઉઠી છે, ત્યારે સીજીએસટીનો નિયમ ૮૬(બી) વેપારી વર્ગ માટે વધુ હેરાનગતિરૂપ બન્યો છે. ઈલેકટ્રોનિક લેજરમાં ક્રેડિટ પડી રહી હોવા છતાં રૂ. ૫૦ લાખથી વધુની સર્વિસ પુરી પાડનારે ૧ ટકા જેટલી જીએસટી કેસમાં ભરવાની નોબત આવી છે.

જીએસટીને લગતી ઘણી સમસ્યાઓ વેપારી વર્ગમાં પ્રવર્તી છે. તેમાંયે બોગસ બિલ થકી કૌભાંડ આચરનારાઓના કારણે ઈમાનદારીથી વેપાર કરનારાઓને પણ વિવિધ જવાબદારીઓ જીએસટીની અદા કરવી પડે છે. સીજીએસટીની કલમ ૮૬(બી) પ્રમાણે ક્રેડિટને લઈને થોપવામાં આવેલી નવી જવાબદારી વેપારી વર્ગ માટે નવી સમસ્યા ઉભી કરી છે. ૧લી જાન્યુઆરી, ૨૦૨૧થી અમલમાં આવેલી ૮૬(બી)ની એક જોગવાઈ પ્રમાણે રૂ. ૫૦ લાખથી વધુની માસિક સર્વિસ પુરી કરનારા વેપારી કે સર્વિસ પ્રોવાઈડરના ઈલેકટ્રોનિક લેજરમાં જીએસટી પેટેની ઈનપુટ ટેકસ ક્રેડિટ ખાતામાં પડી હોય તેમ છતાં ૧ ટકા જેટલી રકમ ખિસ્સામાંથી ચૂકવવી પડે છે.

 

કાયદામાં સ્પષ્ટ જોગવાઈ નથી છતાં તંત્રનું મનસ્વી અર્થઘટન

આ અંગે જીએસટી વિષયના અભ્યાસુ સીએ દિનેશ દ્વિવેદી જણાવે છે કે ૮૬(બી) પ્રમાણે રૂ. ૫૦ લાખથી વધુની સર્વિસ પુરી પાડનારના ખાતામાં ભલે જીએસટીની ચુકવણી કરવા જેટલી ક્રેડિટ પડી હોય પરંતુ નવી ટેકસની જોગવાઈના ૯૯ ટકા રકમનો ઉપયોગ ક્રેડિટમાંથી જ્યારે ૧ ટકા કેસમાં ભરવા સૂચન કરાયુ છે. ઘણા વેપારીઓ એવા છે કે ૧૦-૧૦ લાખ સુધી માસિક જીએસટી ભરવાની ફરજ પડતી હોય છે. તેના ૧-૧ ટકા સુધી પણ કેસમાં ભરવા માટે સૂચન કરાઈ છે. જીએસટીના કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરંતુ વિભાગ દ્વારા પોતાની રીતે અર્થઘટન કરીને વેપારીઓને ખિસ્સામાંથી કેસમાં ટેકસ ભરવા માટે સૂચન કરાઈ છે. બોગસ બિલિંગને અટકાવવા માટે ૧ ટકા ટેકસ કેસમાં ભરવાની ફરજ પડાઈ છે. ઉલ્લેખનીય છે કે, ટેકસટાઈલ પ્રોસેસિંગના સર્વિસ સેકટરમાં ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે છે. જેમા હજુ પણ રિફંડ આપવામાં આવતુ નથી.

 

(10:19 am IST)