મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

વકીલે કોર્ટ રૂમમાં ચહેરા પરથી માસ્ક હટાવતાં હોઇકોર્ટે કેસની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો

મુંબઇ,તા. ૧: તાજેતરમાં અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહેલા એક વકીલે કોર્ટરૂમની અંદર તેનો ફેસ-માસ્ક હટાવી દેતાં બોમ્બે હાઈ કોર્ટે કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી દીધો હતો.

૨૨ ફેબ્રુઆરીએ બનેલી આ દ્યટનામાં જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની બેન્ચે એક અપીલની સુનાવણી હાથ ધરી હતી, જે દરમ્યાન અરજીકર્તાના વકીલે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને કોર્ટરૂમમાં માસ્ક હટાવી દીધો હતો.

કેસની રૂબરૂ સુનાવણી સમયે હાઈ કોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોને ટાંકતા જસ્ટિસ ચવાણે જણાવ્યું હતું કે તમામ સમયગાળા દરમ્યાન ફેસ-માસ્ક પહેરવો ફરજિયાત છે. જસ્ટિસ ચવાણે આ કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી દીધો હતો, જેને પગલે તેને ફરી સૂચિબદ્ઘ કરવામાં આવશે.

જસ્ટિસ ચવાણ કેસ લડી રહેલા વકીલોને જ તેમના કોર્ટરૂમમાં પ્રવેશવાની પરવાનગી આપે છે, જયારે અન્ય વકીલો અને પક્ષોએ તેમનો ક્રમ આવે ત્યાં સુધી બાજુના રૂમમાં રાહ જોવાની રહે છે.

(10:25 am IST)