મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

'ગરમી મે ભી ઠંડી કા અહેસાસ'

પ્રકૃતિના ખોળે વસેલ મનોરમ્ય - ખૂબસુરત હીલ સ્ટેશન એટલે ધનૌલ્ટી

દરિયાની સપાટીથી ૭૫૦૦ ફૂટની ઉંચાઇ ઉપર ઉત્તરાખંડમાં આવેલ ધનૌલ્ટી દેવદારના વૃક્ષો, ગાઢ જંગલો તથા અવિરત લહેરાતી હરિયાળીથી ઔર રમણિય લાગે છે : આર્થિક રીતે પણ અનુકુળ

રાજકોટ તા.૧ : ભારત દેશમાં હરવા ફરવા માટે કુદરતે ખોબલે ખોબલે સૌદર્ય આપ્યું છે. આખા વર્ષ દરમિયાન દરેક સીઝનમાં દેશ વિદેશના લોકો ભારતમાં રજાઓ ગાળવા માટે આવે છે. દરેક સીઝનને અનુરૂપ ટ્રાવેલ પ્લાન કરવા ઘણા બધા ડેસ્ટીનેશન્સ ભારતમાં સહેલાણીઓને આકર્ષે છે.

હવે ધીમે ધીમે ઉનાળાની ગરમી શરૂ થઇ રહી છે ત્યારે ભારતમાં ઘણા શહેરોનું તાપમાન ૪૦ ડીગ્રીથી પણ ઉંચુ થઇ જશે. આવી સ્થિતિ વચ્ચે હરવા ફરવાના શોખીનો ગરમીથી બચાવતા અને પ્રવાસનો પણ અસામાન્ય આનંદ કરાવતા હીલ સ્ટેશનની સતત શોધમાં હોય છે. પ્રકૃતિના ખોળે વસેલ એવું જ એક મનોરમ્ય અને ખુબસુરત હીલ સ્ટેશન એટલે ધનોલ્ટી.

ઉત્તરાખંડ રાજયમાં દિલ્હી થી નજીક આવેલ આ સુંદર ડેસ્ટીનેશન હરવા ફરવા માટે એક સારો વિકલ્પ છે. ઉપરાંત આર્થિક રીતે પણ પરવડે તેવી જગ્યા ગણી શકાય. ગીચ વસ્તીથી દૂર પહાડી રાજયમાં આવેલ ધનૌલ્ટી દરિયાની સપાટીથી આશરે ૭૫૦૦ ફુટ ઉંચાઇ પર આવેલ છે. અહી ગાઢ જંગલો સાથે દેવદારના વૃક્ષો તથા અવિરત લહેરાતી હરિયાળીના કારણે આ જગ્યા ઔર રમણીય લાગે છે. તન મન ખુશીથી મલકાઇ ઉઠે છે અને વાદળો સાથે આંખ મીચોલી રમતા હોય તેવો અહેસાસ થાય છે. આજુબાજુના દૃશ્યો તથા રસ્તા પરના આહલાદક વાતાવરણને કારણે સહેલાણીઓ ફરવાના ઉન્માદમાં પ્રકૃતિ સાથે એકાકાર થઇ જતા હોય છે.

અહીનું તાપમાન ગરમીની સીઝનમાં આશરે ૨૧ થી ૨૫ ડીગ્રી આસપાસ રહે છે અને શિયાળામાં ઠંડીની સીઝનમાં તો ઘણી વખત માઇનસ એક ડીગ્રી જેટલુ પણ થઇ જાય છે. શિયાળામાં અહી જઇએ તો ગરમ કપડા સાથે રાખવા જરૂરી છે. આ ખુબસુરત જગ્યાનો દરેક સીઝનમાં ભરપુર આનંદ લઇ શકાય છે. પ્રાકૃતિક સૌદર્યને મનભરીને માણી શકાય છે. અહીના લોકો પણ ખૂબ કો-ઓપરેટીવ છે અને પ્રવાસીઓને હોશભેર આવકારે છે. હરવા ફરવા માટેની અમુક જગ્યાઓ કદી પણ ભૂલી ન શકાય તેવી હોય છે. ફરવાની દ્રષ્ટિએ ઇકો હટસ એક સારી જગ્યા છે. અહીથી સુરકંડાદેવી તથા ઇકો પાર્ક પણ જઇ શકાય છે.

ધનોલ્ટી પહોંચવું કઇ રીતે ? રહેવું કયા?

ધનૌલ્ટી ઉત્તરાખંડમાં મસુરી થી થોડે દૂર આવેલ છે અને અહી પહોંચવુ એ પણ સરળ છે. નવી દિલ્હીથી દહેરાદૂન માટે તમામ પ્રકારના વાહનો મળે છે. દહેરાદૂનથી ટેકસી દ્વારા થોડા જ કલાકોમાં ધનૌલ્ટી પહોચી શકાય છે. આપણી પ્રાઇવેટ કાર લઇને પણ જઇ શકાય છે. અહી રહેવા માટે સીઝનને અનુરૂપ અલગ અલગ સ્ટાર કેટેગરીની હોટલ્સમાં ૭૦૦ રૂપિયાથી માંડી ૮૦૦૦ રૂપિયા સુધીના રૂમ્સ અવેલેબલ છે. ઘણા કિસ્સામાં ડીસ્કાઉન્ટ પણ મળે છે. પોસાય તેવી કિંમતે ગેસ્ટ હાઉસ કે ધર્મશાળા પણ મળી રહે છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય ACCOMODATION IN DHANAULTI-UTTARAKHAND

(4:37 pm IST)