મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

જુલાઈમાં 13 કરોડથી વધુ રસીના ડોઝ લગાવ્યા : વૈજ્ઞાનિકો માટે એક શબ્દ બોલ્યા નથી : લોકોને રસીકરણ માટે અપીલ કરી નથી

રસીકરણને લઈને રાહુલ ગાંધી અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે ટ્વિટર વોર: વાસ્તવમાં રસી નહીં, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે.

નવી દિલ્હી :  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં દેશમાં 13 કરોડથી વધુ રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમણે રાહુલ ગાંધીના એક ટ્વીટના જવાબમાં આ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કોરોનાની રસીની અછત પર સવાલ ઉઠાવ્યા હતા. માંડવિયાએ લખ્યું, 'આ મહિના (ઓગસ્ટ)થી તેમા વધુ વેગ આવવાનો છે. આ સિદ્ધિ બદલ અમને અમારા હેલ્થકેર વર્કરો પર ગર્વ છે. હવે તો તેના પર અને દેશ પર તમારે પણ ગર્વ કરવો જોઈએ.

  રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા માંડવિયાએ તેમના પર માત્ર રસીકરણના નામે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું, 'સાંભળ્યું છે કે તમે 13 કરોડ લોકોમાંથી એક છો જેમને જુલાઈમાં રસી આપવામાં આવી હતી. પરંતુ તમે અમારા વૈજ્ઞાનિકો માટે એક શબ્દ પણ બોલ્યા નહીં, લોકોને રસીકરણ માટે અપીલ કરી નથી. મતલબ કે તમે રસીકરણના નામે રાજકારણ કરી રહ્યા છો. વાસ્તવમાં રસી નહીં, તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે સવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં, કોરોના રસીકરણની નિષ્ફળતા દર્શાવતા અનેક સમાચારોના સ્ક્રીનશોટ જોડવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે તેણે લખ્યું, જુલાઈ ગયો, રસીની અછત ન ગઈ. આ સાથે, તેમણે હેશટેગ વ્હેર આર વેક્સીન (વેક્સીન ક્યાં છે) નો ઉપયોગ કર્યો. રાહુલ ગાંધી કેન્દ્રની રસીકરણ નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

(6:20 pm IST)