મુખ્ય સમાચાર
News of Monday, 1st August 2022

પાર્થ ચેટરજી અને અર્પિતાને સંડોવતું શિક્ષણ ભર્તી કૌભાંડ ૫૦૦૦ કરોડનું હોવાની શકયતા

છ ધોરણ સુધી ભણેલા હોય એમને પણ શિક્ષક બનાવી દેવાયા હતા : કોઇએ પરીક્ષા આપી ન હતી તેમને પણ નોકરી મળી ગઇ

કોલકાતા,૧: પヘમિ બંગાળના પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટરજી અને તેમની નજીકની અર્પિતાને સંડોવતા શિક્ષણ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહયા છે. અર્પિતાના ફલેટમાંથી કરોડોની રોકડ પકડાઇ છે તે તો પાશેરામાં પહેલી પૂણી છે. આ સમગ્ર કૌભાંડ ૫ હજાર કરોડનું હોવાની ઇડીને શંકા છે. આ કૌભાંડના તાર અન્‍ય નેતાઓ અને અમલદારો સાથે પણ જોડાયેલા છે. આજકાલ અર્પિતાની બે લકઝરીયસ કાર ગૂમ થવાનું ચર્ચામાં છે. આ કાર પાર્થ ચેટરજી તરફથી ભેટમાં મળી હોવાનું માનવામાં આવે છે. આ બંને કાર ખરીદવામાં આવી પરંતુ તેની ડિલીવરી થાય એ પહેલા જ કૌભાંડ બહાર આવી ગયું હતું.

ઇડીએ એવો પણ દાવો કર્યો છે કે પાર્થ અને અર્પિતા કારમાં બેસીને પાર્ટી કરતા હતા. ઘરેથી બંને જુદી જુદી કારમાં નિકળતા હતા પરંતુ એ પછી પાર્થ એકાંત જોઇને અર્પિતાની કારમાં આવી જતો હતો. તપાસ એજન્‍સીઓનું માનવું છે કે આ શિક્ષક ભર્તી કૌભાંડ ખૂબ સમયથી ચાલતું હતું. આ ગોટાળાની શરુઆત ૨૦૧૪થી થઇ હતી. જેમાં જેની લાયકાત કે મેરિટ ન હતા તેમને પણ પૈસાના જોરે નોકરી પર રાખવામાં આવ્‍યા હતા. છ ધોરણ સુધી ભણેલા હોય એમને પણ શિક્ષક બનાવી દેવાયા હતા.

 જેમણે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા આપી ન હતી તેમને પણ નોકરી મળી ગઇ હતી. પાર્થ ચેટરજીના પૂર્વ બોડીગાર્ડના પરિવારના ૧૩ લોકોને પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગમાં નોકરી મળી હતી. આમાંની જ એક મહિલા માત્ર ૬ ધોરણ સુધી ભણેલી છે. અર્પિતાની ભલામણથી પણ ઘણા સગા સંબંધીઓને સરકારી નોકરીએ રાખવામાં આવ્‍યા હતા. જો કે લાંચ આપીને કૌભાંડથી નોકરીએ લાગનારા સુધી તપાસ પહોંચશે ત્‍યારે વધુ રહસ્‍યો બહાર આવવાની શકયતા છે. મમતા સરકારના શિક્ષણ વિભાગમાં ભર્તી કૌભાંડની રકમ અને રેલો હજુ વધતા જશે.

(10:29 am IST)