મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

ચીનની દાનત આ જગ્યાને લઈને હતી ખરાબઃ ભારતે આ રીતે પોતાનો કબ્જો જમાવી દીધો

જે પોઈન્ટ પર ચોરી-છૂપે કબ્જો મેળવી ચીન પેંગોંગ લેક પર પોતાનો કબ્જો જમાવવા માગતું હતું ત્યાં ભારતીય સેનાએ પહેલાથી જ પહોંચીને જમાવટ કરી લીધી હતી

નવી દિલ્હી, તા.૧: સૂત્રોના જણાવ્યા અનુસાર એલએસી પર તનાવપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાની વિકાસ રેજિમેન્ટ બટાલિયન ઉત્તરાખંડથી પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે તૈનાત કરવામાં આવી હતી. આ બટાલિયને એક વ્યૂહાત્મક ઊંચા સ્થળે કબ્જો મેળવી લીધો છે. જે વાસ્તવિક નિયંત્રણ લાઇનની બાજુમાં ભારતીય ક્ષેત્રમાં અત્યાર સુધી નિષ્ક્રિય ઉંચાઈ પર હતી.

ખંધુ ચીન એલએસી પર તેના નકારાત્મક કામો અટકાવવાનું નામ લેતું નથી. તાજેતરમાં પૂર્વી લદ્દાખ ક્ષેત્રના પેંગોંગ તળાવ નજીક ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સૈન્યના જવાનોએ ચીનની આ કપટબાજીના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા.

ચીન પણ દાવો કરે છે કે આ વિસ્તાર તેમના ક્ષેત્રમાં આવે છે. ચીનનો ઉદ્દેશ આ ઊંચાઇ પર કબ્જો કરવાનો હતો. કારણ કે આ પોઇન્ટ જેમના કબ્જામાં હોય તે સેના પેંગોંગ તળાવની દક્ષિણ તરફના કાંઠાના વિસ્તારમાં ગતિવિધિ નિયંત્રણમાં લેવામાં વ્યૂહાત્મક લાભ મેળવી શકે છે.

ભારતીય સૈન્યને ચીનના આ લુચ્ચા ઈરાદાની ખબર પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ચીન તરફથી કોઈ પગલું ભરવામાં આવે તે પહેલા જ નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ વ્યૂહાત્મક ઊંચાઇવાળા પોઇન્ટ પર સેનાની ટુકડીને તહેનાત કરવામાં આવે. જોકે ચીન સાથે સરહદ વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે બ્રિગેડના કમાન્ડર સ્તરની બેઠકો પહેલાથી જ ચુશુલ અને મોલ્ડોમાં યોજાઈ રહી છે, પરંતુ કોઈ પરિણામ બહાર આવ્યું નથી.

ભારતે થાકુંગના આ ઉંચાઈવાળા વિસ્તારમાં પોતાની આર્મી, તેના યુદ્ઘ વાહનો અને ટેન્ક સહિતના કાફલાને સ્થાનાંતરિત કરી દીધો છે. આ સમગ્ર કામગીરીમાં સામેલ સૈનિકોમાં ભારતીય અધિકારીઓ સાથે સાથે વિકાસ રેજિમેન્ટ હેઠળ કાર્યરત તિબેટીઓ પણ શામેલ છે.

(10:00 am IST)