મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અને કંપનીની યુટિલિટીના ITમાં હજુ ઠેકાણા નથી

ફોર્મ બહાર પાડયાના છ મહિના પછી પણ વ્યવસ્થા નહીં ગોઠવાતા પરેશાની

નવી દિલ્હી તા. ૧: ઓડિટ રિટર્ન સાથેના આઇટી રિટર્ન ભરવાની મુદત તો વધારો આપવામાં આવી છે પરંતુ હજુ સુધી ભાગીદારી પેઢી, ટ્રસ્ટ અને કંપનીના ફોર્મ ભર્યા બાદ તેની યુનિલિટીની સુવિધા જ હજુ આઇટીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી નહીં હોવાના લીધે કરદાતાઓની મુશ્કેલી યથાવત રહેવા પામી છે. કોરોનાના લીધે આઇટી રિટર્ન ભરવાની મુદત વધારીને નવેમ્બર ર૦ર૦ સુધી કરી આપવામાં આવી છે. જયારે સામાન્ય દિવસોમાં ઓડિટ વિનાનું રિટર્ન જુલાઇ માસમાં અને ઓડિટ સાથેનું રિટર્ન ઓગસ્ટ માસના અંત સુધીમાં ભરી દેવામાં આવતું હોય છે. જેથી જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં તેના ફોર્મ બહાર પાડી દેવામાં આવતા હોય છે. ચાલુ વર્ષે પણ આઇટી રિટર્નના ફોર્મ ફેબ્રુઆરીમાં પાડી દેવામાં આવ્યા હતા. તે ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ બે મહિનામાં તેની યુટિલિટી બહાર પાડી દેવામાં આવ્યા બાદ બે મહિનામાં તેની યુટિલિટી બહાર પાડી દેવામાં આવતી હોય છે. યુટિલિટી બહાર પડાયા બાદ રિટર્ન ફોર્મ અપલોડ કરવાની સુવિધા મળતી હોય છે. જયારે હજુ સુધી આઇટીની વેબસાઇટ પર કંપની, ભાગીદારી પેઢી અને ટ્રસ્ટ માટેની યુટિલિટીના હજુ પણ ઠેકાણા નથી. તેના કારણે કેટલીક કંપની, ભાગીદારી પેઢી અને ટ્રસ્ટ દ્વારા ઓડિટ પણ કરાવી રાખ્યું હોવા છતાં યુટિલિટી બહાર નહીં પડતા રિટર્ન ભરી શકતા નથી.

રિટર્ન નહીં ભરાતા રિફંડ મેળવવામાં પરેશાની

કરદાતા દ્વારા જયાં સુધી આઇટી રિટર્ન નહીં ભરાય ત્યાં સુધી રિફંડ મળતું નથી. કારણ કે રિટર્ન ભરાયા બાદ કેટલા રૂપિયાનું રિફંડ આપવાનું છે તેની ગણતરી ઓટોમેટિક જ થઇ જતી હોય છે તેમજ રિટર્નની અંદર જ કેટલા રૂપિયાનું રિફંડ મળશે તેનો પણ ઉલ્લેખ કરી દેવામાં આવતો હોય છે. જેથી જયાં સુધી કરદાતાનું રિટર્ન નહીં ભરાય ત્યાં સુધી રિફંડ મેળવવામાં પણ કરદાતાઓએ રાહ જોવાની સ્થિતિ આવીને ઉભી છે.

પુરતી વ્યવસ્થા ઉભી ન કરાય ત્યાં સુધી મુદતમાં વધારો કરવો નિરર્થક

દર વખતે રિટર્નની મુદત વધારીને કરદાતાઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યાની વાત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે જયારે હકીકતમાં સરકાર દ્વારા નિયત સમયમાં કામ પાર પડે તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી આ સ્થિતિમાં છેલ્લી ઘડીએ મુદત વધારવી પડતી હોય છે બેથી ત્રણ મહિના પહેલા યુટિલિટી બહાર પાડી દેવી જોઇએ તેમ છતાં હજુ સુધી તેના ઠેકાણા નથી.

(11:23 am IST)