મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

દીકરો માતાના શબને ફૂટપાથ પર છોડીને જતો રહ્યો

દીકરાએ દાવો કર્યો છે કે તેણે પોતાની માતાના શબને ચાદરમાં લપેટીને છોડી દીધું કારણકે તેની પાસે અંતિમ સંસ્કાર માટેના પૈસા નહોતા

હૈદરાબાદ,તા. ૧: દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જાણે લાગણીના સંબંધો ખતમ થઈ ગયા હોય તેવા પણ કેટલાંક ચોંકાવનારા સમાચાર જાણવા મળી રહ્યા છે. હૈદરાબાદમાં દીકરાએ પોતાની ૭૦ વર્ષીય માતાના શબને ફૂટપાથ પર છોડી મૂકયું હોવાની ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. પોલીસના જણાવ્યા મુજબ સતત ચાર દિવસ સુધી તાવ આવ્યા પછી આ વૃદ્ઘ મહિલાનું મોત નીપજયું હતું અને તેમના દીકરાએ દાવો કર્યો છે કે તેણે પોતાની માતાના શબને ચાદરમાં લપેટીને છોડી દીધું કારણકે તેની પાસે અંતિમ સંસ્કાર માટેના પૈસા નહોતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકોએ ચાદરમાં લપેટી રાખેલા આ શબ વિશેની અમને સૂચના આપી હતી. અમને આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મહિલાના બોડી પર ઈજાના કોઈ પ્રકારના નિશાન નહોતા. ત્યારે અમને એવી શંકા ગઈ કે કદાચ આ મહિલા ભિખારી હશે અને કોઈ તેમની બોડી અહીં ફૂટપાથ પર છોડી ગયું હશે. પણ, એક સ્થાનિક વ્યકિતએ અમને મહત્વની માહિતી આપી કે આ મહિલા તેના દીકરા સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતી, જે ચોકીદાર છે અને આ કેસનો ખુલાસો થયો.રમેશ નામના વ્યકિતએ જણાવ્યું કે ફૂટપાથ પરથી જે મહિલાની બોડી મળી આવી છે તે તેની માતાનું શબ છે. તેણે જણાવ્યું મારી પાસે પૈસા નહીં હોવાને કારણે માતાનું શબ ફૂટપાથ પર છોડી મૂકયું હતું. માતાને તાવ આવી રહ્યો હતો અને તેમનું મોત નીપજયું. મને એ વાતનો પણ ડર હતો કે આ કોરોનાની મહામારીમાં એપાર્ટમેન્ટના લોકોને એવું જાણવા મળશે કે મારી માતાનું મોત તાવ આવવાના કારણે થયું છે તો મારા માટે સમસ્યા ઊભી થશે. માટે મેં માતાના શબને ચાદરમાં લપેટીને ફૂટપાથ પર છોડી દીધું.

(11:25 am IST)