મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

ચોંકાવનારો ઘટસ્ફોટ : '...તો દુષ્કર્મ કેસમાં આસારામે તપાસ અધિકારીને બોમ્બથી ફૂંકી મારવાનો પ્લાન કરેલો'

આસારામે તેની ધરપકડ ટાળવા માટે ભારે હવાતિયા માર્યા હતા. 'તુમ ઐસા નહીં કર સકતે, તુમકો અભી ઉપર સે ઓર્ડર્સ આજાયેંગે કી મુઝકો એરેસ્ટ નહીં કર શકતે' તેવી આસારામે શેખી મારતા જ ઓફિસરે તેનો મોબાઈલ આંચકી લઈને સ્વિચ ઓફ કરીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો. 'બાબા, તુ યે બતા કી યે સબ કયા કર ડાલા તુને. જલદી બતા.' : રાજસ્થાનના આઈપીએસ અધિકારી અજય લામ્બાએ પોતે લખેલા ‘Gunning for the Godman’ નામના પુસ્તકમાં કંડારવામાં આવી

નવી દિલ્હી તા. ૧ : કુખ્યાત આસારામને જયારે ખબર પડી કે દુષ્કર્મ કેસમાં રાજસ્થાન પોલીસનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે ત્યારે તેણે આ કેસની તપાસ કરી રહેલા અધિકારી ચંચળ મિશ્રાના વ્હિકલમાં IED લગાવીને તેને ફૂંકી મારવાનું ષડયંત્ર પણ તેના અનુયાયીઓએ ઘડેલું જેની તેને બધી જાણ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ રાજસ્થાનના આઈપીએસ અને આસારામની ધરપકડ કરનારા અધિકારીએ ટૂંકમાં જ પ્રસિદ્ઘ થનારા પોતાના પુસ્તકમાં કર્યો છે. આસારામે તેની ધરપકડ ટાળવા માટે ભારે હવાતિયા માર્યા હતા. 'તુમ ઐસા નહીં કર સકતે, તુમકો અભી ઉપર સે ઓર્ડર્સ આજાયેંગે કી મુઝકો એરેસ્ટ નહીં કર શકતે' તેવી આસારામે શેખી મારતા જ ઓફિસરે તેનો મોબાઈલ આંચકી લઈને સ્વિચ ઓફ કરીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો. 'બાબા, તુ યે બતા કી યે સબ કયા કર ડાલા તુને. જલદી બતા.'

આસારામની ધરપકડની સનસનાટી પાછળની દિલધડક અને નાટકીય ઘટનાઓને સાંકળીને રાજસ્થાનના આઈપીએસ અધિકારી અજય લામ્બાએ પોતે લખેલા ‘Gunning for the Godman’ નામના પુસ્તકમાં કંડારવામાં આવી છે. હાલ જયપુરમાં એડીશનલ પોલીસ કમિશનર ૪૨ વર્ષીય અજય લામ્બાએ કહ્યું કે, આ પુસ્તક તેઓ લખી રહ્યા છે તે અંગે ખબર પડતાં આસારામના અનુયાયીઓએ ધમકી આપતા ફોન કોલ કરવા માંડયા હતા. આ પુસ્તકના કેટલાંક ભાગ તા. ૫ સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે પ્રસિદ્ઘ કરાશે અને OTT થ્રિલર સ્ટોરીની જેમ વંચાશે. બુક બેકર્સ લિટરરી એજન્સીના એડીટોરીયલ વડા સહ- લેખક સંજય માથુર અને ર્હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં રસપ્રદ પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.

જેમાં ૨૦૦૫ની બેચના IPS અધિકારીએ, દિલ્હી પોલીસની દુષ્કર્મ સંબંધિત ફરિયાદ મળ્યાના ૧૦ દિવસમાં ટીવીના માધ્યમનો સહારો લઈને ૨૦૧૩માં આસારામની ધરપકડ કરી હતી. આસારામની ધરપકડ કરાઈ ત્યારે DCP જોધપુર વેસ્ટર્નનો હવાલો સંભાળતા અજય લામ્બાએ પત્રકાર પરિષદમાં આસારામની ધરપકડ કરવા અંગે ટીમ રવાના કરવા અંગે માહિતી આપતાં સનસનાટી મચી હતી.

આસારામ ભોપાલ એરપોર્ટ પર આવ્યો હતો ટેલિકાસ્ટ જોનાર એક મિત્રે માહિતી આપી હતી અને ત્યારપછી લામ્બાએ આ માહિતી મિડીયા કર્મીઓને આપી હતી. લામ્બા તેમના પુસ્તકમાં લખે છે કે, હું જે કરવા ઈચ્છતો હતો બરાબર તે જ પ્રમાણે થયું હતું. મિડીયાએ તે શખ્સને અનુસરીને ભોપાલ એરપોર્ટથી જ તેની પ્રત્યેક હિલચાલ પર દેખરેખ રાખી હતી અને તેની ગતિવિધિ રેકોર્ડ કરી હતી. મને આ પ્રકારે દેખરેખ રાખવાની જરૂર ન પડી. ભયભીત થયેલો અને હાંફળો ફાંફળો થઈને ભાગતો માણસ (આસારામ) સીધો જ અમારી સિફતપૂર્વક બિછાવેલી જાળમાં સપડાઈ ગયો. આસારામ ઈન્દોર પહોંચ્યો ત્યારે તેના અનુયાયીઓનો વ્યાપક વિરોધ વચ્ચે તેની ધરપકડ કરાઈ હતી.

તામિલનાડુના અત્યંત સનાસનાટીભર્યા કુખ્યાત ચંદન ચોર વીરપ્પના કેસમાંથી શીખવાનું મળ્યું હતું અને બોધપાઠ મળ્યો હોવાનું અજય લામ્બાએ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તમિલનાડુ પોલીસે એન્કાઉન્ટરમાં ચંદન ચોર વીરપ્પનને ઠાર કર્યો ત્યારે હકારાત્મક મીડિયા પ્રતિક્રિયા આધારે લોકોના અભિપ્રાયને પોતાની તરફેણમાં લાવવામાં પોલીસને મદદ મળી હતી.

આ પુસ્તકમાં જણાવાયું છે કે, અજય લામ્બાએ કેવી રીતે 'ટફ ટ્વેન્ટી' ટીમના પોલીસ અધિકારીઓની પસંદગી કરી ચુનંદા પોલીસ અધિકારીઓની ટીમ તૈયાર કરી હતી. જો રાજકીય વગ, ખાતાકીય દબાણ કરવામાં આવે, ધમકી અથવા નાણાંકીય ઓફર મુદ્દે એકબીજા પર ચાંપતી નજર રાખવા અને તે અંગે વાકેફ કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી. ૨૦૧૩માં આસારામને ઝબ્બે કરનાર પોલીસ ટીમનું નેતૃત્વ કરનાર IPS અધિકારી અજય પાલ લામ્બા કહે છે કે, દુષ્કર્મના આરોપી (આસારામ)ના અનુયાયીઓ તરફથી આજે પણ ધમકીભર્યા ફોન કોલ આવે છે. એટલું જ નહીં એક તબક્કે તો અજય લામ્બાના પત્નીએ તેમની દીકરીને થોડા દિવસ શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું હતું.

(12:59 pm IST)