મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

કોરોનાના વધતા કેસ વચ્ચે રાહત : ભારતનો રીકવરી રેટ ૭૭ ટકાઃ મૃત્યુદર ઘટીને ૧.૭૮ ટકા

નવી દિલ્હી,તા.૧ : છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યાં હતાં તેમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૬૯,૯૨૧ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો ૩૬,૯૧,૧૬૭ પર પહોંચી ગયો છે. જેમાંથી ૭,૮૫,૯૯૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જયારે ૨૮,૩૯,૮૮૩ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાએ એક જ દિવસમાં ૮૧૯ લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો ૬૫,૨૮૮ થયો છે.

૨૯ ઓગસ્ટના રોજ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક ૭૮,૭૬૧ નવા કેસ નોંધાયા હતાં. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એકિટવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૭૮ થઈ ગયો. આ ઉપરાંત એકિટવ કેસ કે જેમની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને ૨૨ ટકા થયો છે. રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર ૭૭% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.આંકડા મુજબ દેશમાં એકિટવ કેસ મામલે ટોપ પર મહારાષ્ટ્ર રાજય છે. ત્યારબાદ તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજયોમાં સૌથી વધુ એકિટવ કેસ છે.

કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યા જોઈએ તો ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે.

(1:01 pm IST)