મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

રાજકોટ સૌરાષ્ટ્રનું 'વુહાન' બનશે? : ૫ દિવસમાં કોરોનાથી ૧૦૦થી વધુ દર્દીનાં મોતથી ખળભળાટ

આજે સૌરાષ્ટ્રમાંથી સારવાર માટે આવતા વધુ ૨૧ દર્દીનાં મોતઃ સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ ?

રાજકોટ, તા.૧: રાજયમાં કોરોના વાયરસના સંક્રમણમાં હવે સૌરાષ્ટ્ર ચિંતાજનક સ્થિતિમાં પહોંચ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી સારવાર માટે આવતા ૨૧ દર્દીના એક જ રાતમાં મોત થતા ચિંતાનો માહોલ છવાયો છે. દરમિયાન ગઈકાલે જ રાજકોટની ચિંતા વ્યકત કરતા આરોગ્ય વિભાગે ગાંધીનગરથી તબીબોની ટીમ રાજકોટ મોકલી છે. અહેવાલો મુજબ આરોગ્ય અગ્રસસચિવ જયંતિ રવિ પણ રાજકોટની મુલાકાતે છે. દરમિયાન સરકારના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા ૫ દિવસમાં ૧૦૦થી વદુ લોકોનાં મોત થયા હોવાનો ઘટસ્ફોટ થતા હાહાકાર મચી ગયો છે. જોકે, ડેથ ઓડિટ કમિટી આ મોતને કોવિડના કારણે કે કોમોર્બિડીટીના કારણે મોત થયું હોવાનું તારવતી હોવાથી ગાંધીનગરમાં આ મોતનો આંકડો બોલતો નથી તેવી ચર્ચા અખબારી આલમમાં થઈ રહી છે.

દરમિયાન રાજકોટમાં સતત મૃત્યુનો આંક વધતા રાજકોટ સૌરાષ્ટ્રનું 'વુહાન' બનશે? તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ૧ સપ્ટેમ્બરના રાજકોટ રાજકોટ શહેરના વર્તમાન પત્રોએ આ અંગે ઊંડી ચિંતા વ્યકત કરતા ઘટસ્ફોટક અહેવાલો પ્રસિદ્ઘ કર્યા છે.

દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ ૪૨ કેસ નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સારવાર માટે આવેલા ૨૧ દર્દીના કોરોનાથી મોત નીપજયાં છે.

જેમાં સિવિલ હોસ્પિટલમાં ૧૯નાં અને ખાનગી હોસ્પિટલમાં ૨ના કોરોનાથી મોત નીપજયા છે. આ સાથે જ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૨૬૨ પર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૪૦૮ સારવાર હેઠળ છે. જયારે સોમવારે ૩૮ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

(3:13 pm IST)