મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

મુંબઇના કાફેમાં પુરપાટ ઝડપે કાર ઘૂસી જતાં પાંચનાં દર્દનાક મોતઃ આઠ ઘાયલ

કાર ડ્રાઇવરની ધરપકડઃ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

મુંબઇ તા. ૧: દક્ષિણ મુંબઇના વ્યસ્ત ક્રોફર્ડ માર્કેટ નજીક મોડી રાત્રે એક જનતા કાફે રેસ્ટોરાંમાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર બેકાબૂ બનીને રેસ્ટોરાંની અંદર ઘૂસી જતાં પાંચ લોકોના મોત થયાં છે અને આઠ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે.

આ માર્ગ અકસ્માતના કારણે ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાને નજરે નિહાળનારાઓએ જણાવ્યું હતું કે પુરપાટ ઝડપે આવી રહેલી કાર સદાનંદ હોટલ તરફ ધસી રહી હતી અને ત્યાં લોકોને અડફેટમાં લેતી આ કાર જનતા કાફે રેસ્ટોરામાં ઘૂસી ગઇ હતી. રેસ્ટોરાંમાં ઘૂસતાં પહેલાં બેકાબૂ કારે પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જે લોકોને કારે અડફેટે લીધા હતા તે તમામ આ રેસ્ટોરાં બહાર પોતાનો ધંધો કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતના મૃતકો અને ઘાયલોને તાત્કાલિક જે. જે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં પાયધૂની પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર તાબડતોબ પહોંચી ગયા હતા અને કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

અહેવાલો અનુસાર સોમવારે મોડી રાત્રે ક્રોફર્ડ માર્કેટ એરિયામાં આવેલ જનતા કાફે રેસ્ટોરામાં લોકો બેઠા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કાર રેસ્ટોરાંના દરવાજાને તોડતી અંદર ઘૂસી ગઇ હતી. કારની ઝડપ એટલી તેજ હતી કે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક રેસ્ટોરાંની બહાર કાઢયા હતા અને જે. જે. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. કારની હાલત જોતાં અકસ્માત કેટલો ભયંકર હશે તેનો અંદાજ આવી શકે છે.

ઇજાગ્રસ્તો અંગે હજુ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ નથી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જે રેસ્ટોરાંમાં આ કાર ઘૂસી હતી તે સદનસીબે તેના કિચન સુધી પહોંચી નહીં અન્યથા કિચનમાં રાખવામાં આવેલ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોત તો સ્થિતિ વધુ ખતરનાક બની ગઇ હોત. પોલીસે કાર ડ્રાઇવરની ધરપકડ કરીને તેને મેડિકલ રિપોર્ટ માટે જે. જે. હોસ્પિટલ લઇ ગઇ હતી. પોલીસ એ વાતની તપાસ કરવા માગતી હતી કે કાર ડ્રાઇવર નશામાં તો નહોતો ને? કાર ડ્ર્રાઇવરનું નામ સમીર હોવાનું જણાવાયું છે. પોલીસ આ ઘટનામાં વધુ તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળે તેમજ ઘટનાસ્થળની આસપાસ ઉપસ્થિત લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી.

(4:05 pm IST)