મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

સુશાંતસિંહ કેસઃ NCBના મુંબઈમાં ઠેર-ઠેર દરોડા :એક ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ

ફિલ્મ સિટી વિસ્તાર સહિત અનેકવિધ સ્થળોએ દરોડા: રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, આર્યા, રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહ અને બીજા સામે કેસ નોંધાયો

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગ એન્ગલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારીઓએ ડ્રગના સપ્લાય અંગે મળેલી માહિતીના આધારે મુંબઈમાં અનેકવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને એક ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ એનસીબીની કડીઓમાં બેથી વધુ સપ્લાયરોને પકડવામાં આવ્યા હતા અને મુંબઈ ઓફિસે તેમને પૂછપરછ લાવવામાં આવ્યા હતા. એનસીબીની ટીમે મુંબઈના ફિલ્મ સિટી વિસ્તાર સહિત અનેકવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

26મી ઓગસ્ટના રોજ એનસીબીએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, આર્યા, રિયાની ટેલેન્ટ મેનેજર જયા સાહ અને બીજા સામે એનડીપીએસ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. આ એજન્સીએ હોટેલિયર ગૌરવ આર્યાને પણ બુક કર્યો છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને રિયાના ફોનમાંથી 2017ના કેટલાક સંદેશાઓ મળ્યા તેના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. તેમા કેટલાક પ્રતિબંધિત ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ગોવામાં બે હોટેલ ચલાવતા ગૌરવ આર્યએ ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે તેને કોઈપણ પ્રકારના ડ્રગ્સ સાથે ક્યારેય ડીલ કર્યુ નથી અને રિયા સાથે તેની વાતચીત ત્રણ વર્ષ પહેલા થઈ હતી. તે આ કેસમાં જરૂરી બધી કાનૂની કાર્યવાહીઓનું પાલન કરશે.

ઇડીએ એનસીબીના ડ્રગ સાથે લિંક ચેટ્સ અંગે જણાવ્યું હતું જેની વિગતો રિયાના બંને મોબાઇલ ફોનનું ક્લોનિંગ કરતા મળી આવી હતી. સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ કરી રહેલી એનસીબી ત્રીજી કેન્દ્રીય સંસ્થા છે. તે ડ્રગ સિન્ડિકેટ(drug syndicate), સપ્લાયરો અને કુરિયરના નેટવર્કની તપાસ કરી રહી છે જે મુંબઈ અને પશ્ચિમ ભારતના રાજ્યો જેવા કે ગોવામાં ચાલી રહ્યુ છે.

એનસીબીનું કામ નાર્કોટિક્સ કાર્ટેલ્સ અને સપ્લાયરોને શોધીને તેને પકડવાનું છે. આથી તે સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ કેટલાક પ્રતિબંધિત ડ્રગ્સની ખરીદી અને વપરાશ અંગેના રિયા અને બીજાના સંદેશાઓના આધારે વધારે મોટા પ્રમાણમાં ફોજદારી કાવતરા અને એન્ટિ-નાર્કોટિક્સ કાયદાની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહી છે.

આમ બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મની લોન્ડરિંગ બાદ ડ્રગ્સનો એન્ગલ ખૂલ્યો છે. આમ તેની આ કથિત આત્મહત્યા કદાચ બોલિવૂડમાં કેટલાના ચહેરા પરનો નકાબ ઉતારી શકે છે. તેની સાથે બોલિવૂડ અને ડ્રગ્સ પેડલરોની સાંઠગાંઠ પરથી મોટો પડદો પણ ઉચકી શકે છે. એનસીબીનું પણ કહેવું છે કે આ સંદર્ભમાં હજી વધુ દરોડા પડી શકે છે.

(8:30 pm IST)