મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

સરકારે અર્થતંત્રને ડૂબાડ્યું :પ્રિયંકા ગાંધીનો પ્રહાર : રાહુલ ગાંધીએ કહ્યું -નોટબંધીની સાથે જ બર્બાદીની શરૂઆત થઇ

આશા રાખું છું કે આને પણ ઇશ્વરનું પગલું ( Act Of God) કહેવામાં નહીં આવે: શત્રુઘ્નસિંહાનો ટોળો

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ  મોદી સરકાર પર મોટો પ્રહાર કર્યો છે, ગઇકાલે દેશનો જીડીપી 24 ટકા જેટલો ઘટી જતાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે દેશનું અર્થતંત્ર તો નોટબંધીની સાથે જ બર્બાદ થવા માંડ્યું હતું. ત્યારથી સરકારે એક પછી એક ખોટી નીતિઓની લાઇન લગાવી દીધી. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ આરોપ મૂક્યો છે કે સરકારે દેશનું અર્થતંત્ર ડૂબાડી દીધું.

રાહુલ ગાંધીએ ટ્વટી કરી કે,“આજથી 6 મહિના પહેલાં આર્થિક સુનામી આવવાની વાત કહી હતી. કોરોના સંકટ દરમિયાન હાથીના દાંત દેખાડવા…. જેવું પેકેજ જાહેર થયું, પરંતુ આજે હાલાત જુઓ. જીડીપી માઇનસ 23.9 ટકા સુધી પડી ભાંગ્યું છે. ભાજપ સરકારે અર્થતંત્રને ડૂબાડી દીધું.  કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,“મોદીજી હવે તો માની લો કે જેને તમે માસ્ટરસ્ટ્રોક કહ્યા હતા, વાસ્તવમાં તે ડિઝાસ્ટર સ્ટ્રોક હતા. નોટબંધી, ખોટો જીએસટી અને દેશબંધી (લોકડાઉન).

નોંધનીય છે કે કોરોના સંકટ વચ્ચે દેશના અર્થતંત્રમાં ચાલુ નાણા વર્ષે 2020-21ના એપ્રિલ-જૂનના ત્રણ માસિકમાં 23.9 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ કાર્યાલયે પ્રથમ ત્રિમાસિકના જીડીપી આંકડા સોમવારે જારી કર્યા હતા. જેમાં દેશના કુલ ઘરેલુ વિકાસ દરમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ગત નાણાવર્ષ 2019-20માં આ જ ત્રિમાસિકમાં 5.2 ટકાનો વધારો થયો હતો.

જીડીપીમાં આવેલા ભારે કડાકા અને અભિનેના અને કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહા(Shatrughan Sinha)એ પણ ટ્વીટ કરી લખ્યું કે,

” જે રીતે આપણે જીડીપી 23 ટકા ઘટાડા અંગેના દિલ તોડનારા ન્યૂઝ સાંભળ્યા. દુર્ભાગ્યથી આ 40 વર્ષોનો સૌથી મોટો ઘટાડો છે. આશા રાખું છું કે આને પણ ઇશ્વરનું પગલું ( Act Of God) કહેવામાં નહીં આવે.”

શત્રુની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઇ રહી છે. અનેકે કોમેન્ટ્સ આવી રહી છે. નોંધનીય છે કે 21 લાખ કરોડના આર્થિક પેકેજ છતાં કોરોના મહામારીને કારણે વેપાર-ધંધા અને સામાન્ય માણસ પર બહુ ખરાબ અસર થઇ છે. કોરોના વાઇરસને કારણે દેશમાં ફેકટરીઓ અને ધંધો રોજગાર બંધ રહેતા કરોડો મજૂર બેરોજગાર થઇ ગયા. થોડા મહિના પહેલાં જ કોરોના સામેના જંગમાં દેશના અર્થતંત્રને બેઠું કરવા મોદી સરકારે 21 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે PM મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે બહુ મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ તે હવે પોકળ સાબિત થઇ રહી છે.

(8:40 pm IST)