મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

કૉંગ્રેસના દિગ્ગ્જ નેતા દિગ્વિજયસિંહે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને સંઘના કર્યા વખાણ !!

નર્મદા યાત્રાના સંસ્મરણો વાગોળતા કહ્યું - અનેક વૈચારિક મતભેદો છતા ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અધિકારીઓ મારી પાસે મોકલ્યા જેથી ધાર્મિક યાત્રા દરમિયાન રસ્તામાં કોઈ મુશ્કેલી ના પડે, સંઘના કાર્યકરોએ અમારા બધા માટે રોકાવાની વ્યવસ્થા કરી

ભોપાલ : મધ્યપ્રદેશથી રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહની ચાર વર્ષ પહેલા થયેલી નર્મદા યાત્રા પર લખવામાં આવેલા પુસ્તકનું આજે ભોપાલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પોતાની વિરોધી અમિતભાઈ  શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા હતા. દિગ્વિજય સિંહે યાત્રાને યાદ કરતા જણાવ્યું કે જ્યારે તેમની યાત્રાનો કાફલો ગુજરાત પહોંચ્યો ત્યારે વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી. અનેક વૈચારિક મતભેદો છતા ગૃહ મંત્રી અમિત શાહે અધિકારીઓ મારી પાસે મોકલ્યા હતા જેથી ધાર્મિક યાત્રા દરમિયાન રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ ગુરૂવારે અહીં આયોજીત કાર્યક્રમમાં જણાવ્યુ કે, કઈ રીતે અમિતભાઈ  શાહ અને આરએસએસ કાર્યકર્તાઓએ ચાર વર્ષ પહેલા 'નર્મદા પરિક્રમા યાત્રા' દરમિયાન તેમની મદદ કરી હતી. તેવા સમયે જ્યારે પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ મચેલું છે દિગ્વિજય સિંહનું નિવેદન ચોંકાવનારૂ છે. તેનું બીજુ કારણ છે કે દિગ્વિજય સિંહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહના કટ્ટર આલોચકોમાં સામેલ છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, વર્ષ 2017માં નર્મદા પરિક્રમામાં જે દિવસે અમે ગુજરાતથી નિકળી રહ્યા હતા ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. તે જંગલોમાં પસાર થવા માટે રસ્તો અને રોકાવાની વ્યવસ્થા નહોતી. તેએક વન અધિકારી મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે, મને અમિત શાહનો નિર્દેશ છે કે આ સમયે અમે તમારો સહયોગ કરીએ. સંઘ અને ભાજપના ઘોર વિરોધી વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ તે પણ કહ્યું કે, આજ સુધી મારી અમિતભાઈ  શાહ સાથે મુલાકાત થઈ નથી.

ભોપાલમાં નર્મદા પરિક્રમા પર લખેલા એક પુસ્તકના વિમોન કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે કહ્યુ કે, અમિત શાહે અમારી મદદ કરવાના નિર્દેશ આપ્યા હતા, જ્યારે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી હતી. તે જાણતા કે દિગ્વિજય તેમના સૌથી મોટા આલોચક છે તેમણે નક્કી કર્યુ કે, અમારી યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ઉભી ન થાય. તેમણે પહાડો વચ્ચે અમારા માટે રસ્તો શોધ્યો અને અમારા બધા માટે ભોજનની વ્યવસ્થા કરી. દિગ્વિજય સિંહે આગળ કહ્યુ કે, આ અસલ રાજનીતિક તાલમેલ અને મિત્રતાનું પ્રમાણ છે જેને આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ.

દિગ્વિજય સિંહે આગળ કહ્યુ કે, આરએસએસનો હું વિરોધી રહ્યો છું પરંતુ યાત્રા દરમિયાન આરએસએસના કાર્યકર્તા મને મળતા રહ્યા. તે સમયે મેં આરએસએસના સ્વયં સેવકોને પૂછ્યુ હતુ કે તમે બધા મારા માટે આટલી મુશ્કેલી કેમ ઉઠાવી રહ્યા છો તો તેણે મને કહ્યું કે, તેમને મને મળવાનો આદેશ મળ્યો છે. જ્યારે અમે ભરૂચ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા તો આરએસએસ કાર્યકર્તાઓએ એક દિવસ માંઝી સમાજ ધર્મશાળામાં અમારા બધા માટે રોકાવાની વ્યવસ્થા કરી હતી

(12:00 am IST)