મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

કોંગોમાં WHOના ૨૧ કર્મચારીઓએ મહિલાઓ અને કિશોરીઓ ઉપર બળાત્કાર કર્યાનો ઘટસ્ફોટ

કોંગોમાં ઈબોલા સામે લડતી હોસ્પિટલોમાં મહિલાઓ સાથે દુષ્કૃત્ય : કેટલીક મહિલાઓ અને કિશોરીઓને નોકરીની લાલચ આપીને જાતીય શોષણ તો કેટલીક હેલ્થ વર્કર્સના પીણામાં નશીલી દવાઓ ભેળવીને બળાત્કાર ગુજારાયો

મધ્ય આફ્રિકાના દેશ કોંગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ૨૧ કર્મચારીઓએ મહિલાઓ અને કિશોરીઓ ઉપર રેપ કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. એ પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કામગીરી પર સવાલો ઉઠયા હતા. સંગઠનના કર્મચારીઓ પર રેપનો આરોપ લાગ્યો તે પછી પ્રમુખ ટેડ્રોસ એધનોમે પીડિતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી.

કોંગોમાં ઈબોલા સામે લડતી હોસ્પિટલોમાં મહિલાઓ સાથે દુષ્કૃત્ય થયું હતું. કેટલીક મહિલાઓ અને કિશોરીઓને નોકરીની લાલચ આપીને જાતીય શોષણ કરાયું હતું. તો કેટલીક હેલ્થ વર્કર્સના પીણામાં નશીલી દવાઓ ભેળવીને તેના ઉપર બળાત્કાર ગુજારાયો હતો. બળાત્કાર પીડિતોમાં કિશોરીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ૫૦-૬૦ મહિલાઓ યૌનશોષણનો ભોગ બની હોવાનું જણાયું હતું.
એક ખાનગી તપાસમાં જણાયું હતું કે હોસ્પિટલોમાં કાર્યરત ૮૩ લોકોએ મહિલાઓ અને કિશોરીઓનું જાતીય શોષણ કર્યું હતું અને બળાત્કાર કર્યો હતો. એમાં ૨૧ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓ હતા. હોસ્પિટલોમાં નોકરી આપવાના બહાને કિશોરીઓ સાથે દુષ્કૃત્ય આચરાતું હતું.
રેપ પીડિતાઓમાંથી કેટલીય પીડિતાની વય તો માત્ર ૧૩-૧૪ વર્ષની છે. નરાધમોએ આ બાળકીઓ ઉપર પણ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઈબોલાના કારણે કોંગોમાં લગભગ બે હજાર લોકોના મૃત્યુ થયા હતા. એક તરફ ઈબોલા સામે લડવાનું ઓપરેશન ચાલતું હતું ને બીજી તરફ અમુક ડોક્ટરો અને હેલ્થ વર્કર્સ જ હોસ્પિટલોમાં કાર્યરત સ્થાનિક મહિલાઓનું જાતીય શોષણ કરતા હતા.
બળાત્કારના ગંભીર આરોપો પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ એધનોમે દુઃખ વ્યક્ત કર્યું હતું અને બધી જ પીડિતાઓને ન્યાય મળશે એવી ખાતરી આપી હતી. ડબલ્યુએચઓના વડાએ કહ્યું હતું કે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરાશે.

(12:21 am IST)