મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

આવતા દસ વર્ષમાં બુઝુર્ગોની સંખ્યા થશે બમણી

દેશમાં વડીલોની સુવિધાઓ વધારવા સરકાર કરશે પહેલ

એકલા અને નિસહાય બુઝુર્ગો માટે મધ્યાન્હ ભોજન જેવી યોજના થશે

નવી દિલ્હી તા. ૧ : આગામી ૧૦ વર્ષમાં દેશમાં બુઝુર્ગોની વસ્તી બમણી થઇ જશે પણ તેમ છતાં તેમની સુવિધાઓમાં કોઇ કમી નહીં આવે. કેન્દ્ર સરકારે વૃધ્ધોની ઝડપભેર વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને અત્યારથી તેમના સાથે સંકળાયેલી સુવિધાઓને વધારવાનું કામ શરૂ કરી દીધું છે. જેમાં ૨૦૩૦ સુધીમાં બધી સરકારી હોસ્પિટલોમાં વૃધ્ધો માટે સારી સારવાર માટે સ્પેશ્યલ મેડીકલ વોર્ડ બનાવવા અને બધા જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક ઓલ્ડ એજ હોમ ખોલવાનું સામેલ છે. અત્યારે દેશમાં સીનીયર સીટીઝનોની વસ્તી લગભગ ૧૧ કરોડ છે અને ૨૦૩૦ સુધીમાં તે વધીને ૨૩ કરોડે પહોંચવાનો અંદાજ છે.

સામાજીક ન્યાય અને અધિકારીના મંત્રાલયે આ હિસાબથી તેમની સાથે સંકળાયેલી સુવિધાઓને વિસ્તારવાની યોજના બનાવી છે. તેમાં સૌથી વધારે ફોકસ તેમના આરોગ્ય, સુરક્ષા, આવાસ અને પોષણ પર છે. આમ પણ વૃધ્ધાવસ્થામાં મુખ્યત્વે આ બધાની જ તકલીફો રહેતી હોય છે. સરકારે પોતાની આ પહેલમાં વૃધ્ધો અને પોષણની જે યોજના બનાવી છે તેમાં જે એકલા અને નિસહાય વૃધ્ધો છે તેમને બધાને મધ્યાન્હ ભોજન યોજનાની જેમ બપોરનું ભોજન ઉપલબ્ધ કરાવાશે.

(9:57 am IST)