મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

લેખક પરાક્રમી સિપાહી હતા

સુવિખ્યાત જાસુસ જેમ્સ બોન્ડના કાલ્પનિક પાત્રને જન્મ આપનાર અંગ્રેજી લેખક ઇયાન ફલેમિંગ પોતે ખુદ બ્રિટીશ નૌકાદળના ઈન્ટેલીજન્સનો જાંબાઝ  સિપાહી હતા. જેણે ખુદ પોતેજ બીજા વિશ્વયુધ્ધ વખતે નાઝીઓ તેમજ તેમના સાથી દળોને ધૂળ ચાટતા કરી દેવા માટે ખુફિયા રીતે ગોઠવાયેલા ગુપ્ત મિશન ઓપરેશન'ગોલ્ડન આઈ' ના બ્રિટીશ કમાન્ડર તરીકેની જવાબદારી ખુબજ સીફતતાથી નિભાવી હતી.

આમ બીજા વિશ્વ યુદ્ઘમાં બ્રિટીશ કમાન્ડર તરીકે ગુપ્ત રીતે મીશનો ગોઠવવા અને તેમને પાર પાડવા માટે તેમણે કરેલો અથાગ પરિશ્રમ અને પરાકાષ્ટતાની હદ સુધી કસાઈ ગયેલી તેમની બુદ્ઘિની ધાર એટલી બધી તેજ થઇ ગઈ કે વિશ્વ યુદ્ઘના સમાપ્ત થયા પછી પણ ઘણી બધી નોકરીઓ અને ધંધાઓ કર્યા બાદ જયારે તેમને આંતરિક અને માનસિક રીતે સંતોષ ના થયો ત્યારે તેમણે પોતાની બુદ્ઘિને સર્જનાત્મકતાની દિશામાં વાળી દીધી અને નવરાસની પળોમાં તેમના દિમાગમાં જેમ્સ બોન્ડ જાસૂસના જાંબાઝ પાત્રનું સર્જન થયું જે પછીથી ઈતિહાસ બની ગયો.

ઇયાન ફલેમિંગને તેમણે વિશ્વ યુધ્ધમાં કરેલ કામગીરીનો બહોળો અનુભવ તેમને એટલો બધો કામ લાગ્યો કે કોઈપણ ગુપ્ત મિશનને સીફતતાથી પાર પાડવા માટે દુશ્મનો પાસે સામે ચાલીને જતા જેમ્સ બોન્ડ સાથે થતા કાવાદાવાઓ, હુમલાઓ, ષડ્યંત્રો, આંતરિક ખટ પટો અને અંદરો અંદર થતા વિશ્વાસઘાતોના પ્લોટો સર્જવામાં તેમને જરાપણ મુશ્કેલી ના પડી.

આથી ઉલટું તેમણે જેમ્સ બોન્ડના પાત્રને કોઈપણ મિશનને એકદમ આસાનીથી પાર પાડનારો સાહસિક, રોમેન્ટિક અને રોમાંચથી ભરપુર,  સ્ત્રીઓની કમજોરી ધરાવતો દીલ્ફેક આશિક, ખુન્ધો, કોઈપણ વ્યકિત પાસેથી પોતાને જોઈતી માહિતી કઢાવી લેવામાં પાવધરો, ગમે તેની પાસેથી પોતાનું ધાર્યું કામ કઢાવી લેવાની કુશળતા ધરાવતો અને બુદ્ઘિ ચાતુર્યથી ભરપુર જાંબાઝ વ્યકિતત્વવાળો બતાવી તેના સાહસિક અને રોમેન્ટિક પરાક્રમોને વિવિધ પ્રસંગોમાં આવરી લઇ, તે અલગ અલગ પ્રસંગોને કડીઓ રૂપે એકબીજાની સાથે જોડીને તેની એક રોમાંચક અને રોચક કથાનક બનાવીને ઇયાન ફલેમિંગે તેને પુસ્તકરૂપે પ્રગટ કર્યું.

(12:05 pm IST)