મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

મ્યાઉં મ્યાઉં વેચીને લેડી ડ્રગ માફિયાએ ભેગી કરેલી ૧૨ કરોડથી વધુની સંપત્તિ થઈ જપ્ત

રુબિના નિયાઝ શેખ મુંબઇના બાંદ્રા અને નીલોફર સંદોલે માહિમમાં નાની રૂમમાં રહે છે અને તે ફરાર છે

મુંબઇ, તા.૧: બાંદ્રાની એક મહિલાએ પાર્ટીઓમાં વપરાતા અને યુઝર્સમાં મ્યાઉં મ્યાઉં તરીકે જાણીતા નશીલા દ્રવ્ય એમડીના વેચાણથી ૧૨ કરોડ રૂપિયાની સંપત્ત્િ। એકઠી કરી હોવાની ચોંકાવનારી વિગતો નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ આપી હતી. રુબિના નિયાઝ શેખ નામની આ મહિલા માલેગાંવમાં ત્રણ બંગલો, મુમ્બ્રામાં એક ફ્લેટ, કુર્લામાં એક દુકાન, બાંદરામાં એક ઘર અને માહિમ કોઝવેમાં બે રૂમની માલિક છે. એનસીબીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રુબિના અન્ય મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેન્ગની સેકન્ડ ઇન કમાન્ડ છે.

એનસીબીએ તેની પાસેથી ૮૦ લાખની રોકડ રકમ અને ૩૦ લાખનાં આભૂષણો પણ જપ્ત કર્યાં છે. મહિનાઓ અગાઉ શહેરમાંથી નાસી છૂટેલી રુબિનાને ગુજરાતના ઊંઝા નજીક મીરા દાતારથી ઝડપી લેવાઈ હતી. તેની બોસ નીલોફર સંદોલે હજી પણ ફરાર છે.

રુબિના બાંદરાની કેજીએન દરગાહ લેનમાં રહે છે. તેણે ડ્રગ્સની સપ્લાય કરીને કમાયેલાં નાણાંમાંથી આ ઘર ખરીદ્યું હતું. આશરે ૪૦ પેડલર્સ રુબિના માટે કામ કરે છે.

દસ વર્ષથી આ ધંધામાંથી થયેલી કમાણીમાંથી રુબિનાએ કરોડોની મિલકત રળી છે. માલેગાંવમાં તેના બે કરોડથી વધુના લકઝુરિયસ બંગલો આવેલા છે. ત્રણ મહિના પહેલાં જ તેણે કુર્લામાં ૫૦ લાખની દુકાન ખરીદી હતી.

મુંબઈમાં અમૃતનગરના ધનશ્રી અપાર્ટમેન્ટ્સમાં તે એક ફ્લેટ ધરાવે છે. માહિમ કોઝવેની પાંડુરંગ ચાલમાં તેની ભત્રીજી નગમાના સસરા ભાઈજાનના નામે તેણે ત્રણ રૂમ પણ ખરીદી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મીરા રોડમાં પણ તેણે કેટલીક મિલકતો ખરીદી છે.

રુબિનાની ધરપકડ દરમિયાન એનસીબીએ તેની પાસેથી રોકડ, સોનું અને ૧૦૯ ગ્રામ મ્યાઉં-મ્યાઉં જપ્ત કર્યું હતું. આ કેસમાં તેમણે અન્ય બે શખ્સની પણ ધરપકડ કરી છે.

(3:50 pm IST)