મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

બ્રાહ્મણ-ક્ષત્રિય ચોર, મુસ્લિમ અમારા વોટર- સપા ધારાસભ્યના નિવેદનને લઈ હોબાળો

ક્ષત્રિય મહાસભાએ યોગી સરકાર સમક્ષ અબરાર અહમદની વિધાનસભા સદસ્યતા રદ્દ કરવાની માગણી કરી

નવી દિલ્હી, તા.૧: ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરના ઈસૌલી ખાતેથી સપાના ધારાસભ્ય અબરાર અહમદના બ્રાહ્મણ અને ક્ષત્રિય સમુદાય અંગેના નિવેદનને લઈ હોબાળો મચ્યો છે. ક્ષત્રિય મહાસભાએ સપાના ધારાસભ્ય વિરૂદ્ઘ બરાબરનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, અબરારના ફોટો પર કાળો કૂચડો ફેરવવામાં આવ્યો હતો અને તેમનું પૂતળુ સળગાવવામાં આવ્યું હતું.

હકીકતે સપાના ધારાસભ્ય અબરાર અહમદે બ્રાહ્મણો અને ક્ષત્રિયોને ચોર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બ્રાહ્મણ-ક્ષત્રિય ચોર છે. અમારા (સપાના) અસલી મતદારો મુસલમાન છે. જોકે આ નિવેદન બાદ તેમણે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

ક્ષત્રિય મહાસભાના કાર્યકરોએ સપાના ધારાસભ્યને માનસિક રોગી ગણાવ્યા હતા. તેમણે અખિલેશ યાદવ સમક્ષ ઈસૌલીના ધારાસભ્ય અબરાર અહમદને તાત્કાલિક સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગણી મુકી હતી. ક્ષત્રિય મહાસભાએ યોગી સરકાર સમક્ષ અબરાર અહમદની વિધાનસભા સદસ્યતા રદ્દ કરવાની માગણી કરી છે.

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અલીગઢના જિલ્લાધ્યક્ષ શૈલેન્દ્ર પાલ સિંહે જણાવ્યું કે, જો અખિલેશ યાદવ અબરાર વિરૂદ્ઘ કાર્યવાહી નહીં કરે તો ક્ષત્રિય મહાસભા સંપૂર્ણ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરશે અને ૨૦૨૨ની ચૂંટણીમાં તેમણે આનું નુકસાન વેઠવું પડશે.

(3:51 pm IST)