મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

' ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા અશોક ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા

ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું

જયપુર :  રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ બાદ ભારત જોડો યાત્રાની તૈયારીઓની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પહેલીવાર એક મંચ પર સાથે દેખાયા હતા. મીટિંગ બાદ લાંબા સમય પછી ગેહલોત અને પાયલટે એકસાથે મીડિયા સાથે વાત કરી. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું.

  સચિન પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં રાહુલ ગાંધીની યાત્રાનું પૂરા ઉત્સાહ અને તાકાત સાથે સ્વાગત કરવામાં આવશે. પાયલોટે કહ્યું કે આ યાત્રા રાજ્યમાં 12 દિવસ પસાર કરશે જે તમામ વર્ગના લોકોની ભાગીદારી સાથે ઐતિહાસિક યાત્રા હશે. આ મીટીંગમાં પહોચતા પાયલોટ-ગેહલોતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને બંનેએ એકતાનો સંદેશો આપ્યો હતો. મીટિંગ પહેલા જ સીએમ અશોક ગેહલોતે રાહુલ ગાંધીની સંપત્તિની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બંને નેતાઓ સંપત્તિ છે, તો આમાં કહેવા માટે હવે કંઈ બાકી નથી.

(12:57 am IST)