મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિનનું ૯૬ વર્ષની વયે નિધન

૧૯૮૯ તિયાનમેન સ્કવાયર નરસંહાર બાદ ચૂંટાયા હતા : જિયાંગ ઝેમિન યુકેમિયા રોગથી પીડિત હતા, જેના કારણે તેના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું

બેઈઝિંગ, તા.૩૦ : ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિનનું નિધન થઈ ગયુ છે. તેમણે ૯૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ લ્યુકેમિયા રોગથી પીડિત હતા. જેના કારણે તેના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

૧૯૮૯ તિયાનમેન સ્કવાયર નરસંહાર બાદ જિયાંગ ઝેમિન ચીનનું નેતૃત્વ કરવા માટે ચૂંટાયા હતા. તેમણે લગભગ એક દાયકા સુધી ચીન પર શાસન કર્યું. જિયાંગના શાસન દરમિયાન તિયાનમેન સ્કવાયર વિરોધ બાદ ચીનમાં કોઈ મોટા પ્રદર્શનો થયા ન હતા.

જિયાંગને હંમેશા મહેનતુ નેતા તરીકે જોવામાં આવે છે. તેમણે ધીમે-ધીમે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સુધારો કર્યો. તેમના નેતૃત્વમાં જ ચીનની અર્થવ્યવસ્થા મજબુત થઈ અને કમ્યુનિસ્ટોને સત્તા ઉપર પકડ બનાવીને વિશ્વ શક્તિઓના લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધુ હતું. જિયાંગ એક ફેક્ટરી એન્જિનિયરથી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના નેતા બન્યા હતા. તેમણે ચીનના વૈશ્વિક વેપાર, લશ્કરી અને રાજકીય શક્તિના રૃપમાં ઉભરવા માટે અગ્રેસર કર્યું. જ્યારે તેમણે ૧૯૮૯માં સત્તા સંભાળી ત્યારે ચીન આર્થિક આધુનિકીકરણના પ્રારંભિક તબક્કામાં હતું અને તિયાનમેન નરસંહારમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ ૨૦૦૩માં જિયાંગ પ્રમુખ પદેથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં ચીન વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય બની ગયું હતું. 

જિયાંગનું નિધન એવા સમયે થયું છે જ્યારે કોવિડ પ્રતિબંધોને કારણે ચીનના વિવિધ શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જિયાંગના શાસન દરમિયાન તિયાનમેન સ્કવાયર વિરોધ બાદ ચીનમાં કોઈ મોટા પ્રદર્શનો થયા ન હતા.

(7:48 pm IST)