મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

૪૦ ગામમાં દહેશત ફેલાવનારા વાઘને વન વિભાગે ઝડપી લીધો

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરની ઘટના : વન વિભાગે વાઘને ટ્રેંકુલાઈઝ કરીને પકડ્યો, ટાઈગર પકડાઈ જવાના સમાચારથી લોકોએ રાહતનો શ્વાસ લીધો

લખનૌ, તા.૩૦ : યુપીના લખીમપુર ખીરીમાં છેલ્લા ૨ મહિનામાં ૪૦ ગામમાં દહેશતનો પર્યાય બનેલા વાઘને આખરે વન વિભાગે પકડી લીધો છે. વન વિભાગે વાઘને ટ્રેંકુલાઈઝ કરીને પકડ્યો. ટાઈગર પકડાઈ જવાના સમાચાર સાંભળીને ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો અને મોટી સંખ્યામાં પાંજરામાં કેદ વાઘને જોવા ઉમટી પડ્યા.

પલિયા વિસ્તારના મરોચા ગામની આસપાસના વિસ્તારમાં ૨ મહિનાથી વાઘના ડરના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. વાઘે એક ૧૦ વર્ષીય બાળક પર હુમલો કરી તેનુ મૃત્યુ નીપજાવી દીધુ હતુ. વાઘના હુમલાના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ચૂક્યા હતા. આ સિવાય વાઘ ડઝન ગોવાળિયાઓને પણ પોતાનો શિકાર બનાવી ચૂક્યો હતો.  વાઘના હુમલાથી સતત લોકોના મૃત્યુના સમાચાર બાદ વન વિભાગની ટીમે અમુક સ્થળોએ પિંજરા ગોઠવ્યા અને ટ્રેંકુલાઈઝ માટે પરમિશન પણ લઈ લીધી હતી. મંગળવારે તે વાઘને વન વિભાગની ટીમે ટ્રેંકુલાઈઝ કરીને પિંજરામાં કેદ કરી દીધો. વાઘને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો પિંજરામાં જોતા રહ્યા. આખરે ગ્રામજનોના ચેહરા પર ખુશી આવી કારણ કે જે વાઘના ડરના લીધે તે લોકો બહાર નીકળી શકતા નહોતા, તે હવે પકડાઈ ગયો છે.

(7:51 pm IST)