મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

સેન્સેક્સે રચ્યો ઈતિહાસ, ૬૩,૧૦૦ ઉપર બંધ થયો

નિફ્ટી તેજી સાથે ૧૮૭૫૮ પોઈન્ટ પર બંધ થયો : બજારમાં ઘરેલૂથી લઈને વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીને કારણે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી

મુંબઈ, તા.૩૦ : ભારતીય શેર બજારે બુધવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી ઈતિહાસ રચી દીધો છે. બીએસઈ સેન્સેક્સ પ્રથમવાર ૬૩૦૦૦ના રેકોર્ડ આંકડાને પાર કરી ગયો. તો નિફ્ટી પણ ૧૯૦૦૦ તરફ ઝડપથી વધી રહી છે. બજારમાં ઘરેલૂથી લઈને વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીને કારણે શાનદાર તેજી જોવા મળી છે. આજનો કારોબાર બંધ થયો ત્યારે સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટના વધારા સાથે રેકોર્ડ હાઈ ૬૩,૧૦૦ પર બંધ થયો છે. તો નિફ્ટી ૧૪૦ પોઈન્ટની તેજીની સાથે ૧૮૭૫૮ પોઈન્ટ પર બંધ થયો છે. આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જેમાં ભારતીય બજારો નવી ઊંચાઈ પર બંધ થઈ છે.  બજારમાં સરકારી બેક્નના ઇન્ડેક્સને છોડી દેવામાં આવે તો બધા સેક્ટરના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. કિરિટ પારેખ કમિટીની ભલામણોની અસર ગેસ કંપનીઓના શેર પર જોવા મળી છે. સેન્સેક્સના ૩૦ શેરમાં ૨૩ શેર તેજી સાથે તો ૭ શેર ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના ૫૦ શેરમાં ૪૨ શેર તેજીની સાથે તો માત્ર ૮ શેર લાલ નિશાન સાધે બંધ થયા છે.  બજારને ઐતિહાસિક સ્તરો પર લઈ જવામાં જે શેરનો હાથ રહ્યો છે તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સામેલ છે, જે ૪ ટકાની તેજીની સાથે બંધ થયો છે. તો અલ્ટ્રાટેક સીમેન્ટ ૨.૧૬ ટકા, પાવર ગ્રિડ ૨.૧૪ ટકા, એચયૂએલ ૧.૭૮ ટકા, ભારતી એરટેલ ૧.૭૧ ટકા, ટાઇટન કંપની ૧.૫૯ ટકા, એશિયન પેન્ટ્સ ૧.૫૧ ટકા અને ટાટા સ્ટીલ ૧.૫૧ ટકાની તેજી સાથે બંધ થયો છે.

બજારમાં આજે ઇંડસઇંડ બેક્નના શેર ૧.૦૨ ટકા, એસબીઆઈ ૦.૯૭ ટકા, એચસીએલ ટેક ૦.૬૬ ટકા, આઈટીસી ૦.૫૮ ટકા, બજાર ફિનસર્વ ૦.૩૩ ટકા, બજાજ ફાયનાન્સ ૦.૧૭ ટકા અને ટીસીએસ ૦.૧૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

 

(7:57 pm IST)