મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

એક્ટ્રેસ જેકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ: ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર

નવી દિલ્હી :બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનારી મુંબઈ સ્થિત એક મહિલા પિંકી ઈરાનીની દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તેની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ પિંકી ઈરાનીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

  ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને એક નવો પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે તેને જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામેની ફરિયાદ પાછી ખેંચવા માટે જેલ પ્રશાસન તરફથી ધમકીઓ મળી રહી છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તેની અગાઉની ફરિયાદોની તપાસ માટે ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ સમક્ષ તેમનું પહેલું નિવેદન નોંધ્યા બાદ તેને 15 નવેમ્બરે જેલ પ્રશાસન દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. સુકેશે આ પત્ર તેના વકીલ અશોક કેસિંઘે પત્ર આપ્યો હતો.

  પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિવારને 16 અને 17 નવેમ્બરના રોજ જૈનના “નજીકના સહયોગી” તરફથી ધમકીભર્યા ફોન અને 21 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ જૈન અને મનીષ સિસોદિયાના “વેરિફાઈડ” નંબરો પરથી “કેટલાક કોલ્સ” આવ્યા હતા. પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે તેમના પરિવારે બંને નેતાઓના નંબર પરથી ફોન કોલનો જવાબ આપ્યો ન હતો ત્યારે તેમના વકીલોને કોલ કરવામાં આવ્યા હતા. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે,સવાલ એ છે કે સત્યેન્દ્ર જૈન હજુ પણ જેલની અંદર પોતાનો મોબાઈલ કેવી રીતે વાપરી રહ્યા છે અથવા તેમના નિર્દેશ પર તેમના નંબરનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? શા માટે મનીષ સિસોદિયા પણ તેમના સત્તાવાર નંબરો દ્વારા મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

(1:15 am IST)