મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

PM કોઈ રાવણ કહે તો કોઈ રાક્ષસ કહેઃ કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે ગાળો આપે

PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારઃ મોદીનું અપમાન એ તમારું અપમાન છે કે નહી? : PM મોદીએ પંચમહાલના કાલોલથી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે ગાળો આપે છેઃ કોંગ્રેસ PM પદનું અપમાન કરવું તેને પોતાનો અધિકાર સમજે છે

નવી દિલ્હી, તા.૧: ગુજરાતમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે PM  મોદીએ આજે સૌ કોઇને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. એવામાં બીજી બાજુ PM  મોદી આગામી તારીખ ૫ ડિસેમ્બરના રોજ યોજાવા જઇ રહેલ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં આજે વ્યસ્ત છે. ત્યારે આજે અમદાવાદમાં PM  મોદીનો એકસાથે ૫૦ કિમીનો પુષ્પાંજલિ શોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે દરમ્યાન ભારે ભીડ જામે તેવી શક્યતા સેવાઇ રહી છે.

બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંતર્ગત PM  મોદીએ આજે પંચમહાલના કાલોલથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'મને એ વાતનું આશ્ચર્ય નથી કે કોંગ્રેસે મને આટલી ગાળો આપી છે, પણ મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી સ્પષ્ટતા નથી આપી. કોંગ્રેસ પાર્ટી PM  પદનું અપમાન કરવું તેને પોતાનો અધિકાર સમજે છે. કોંગ્રેસમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોદીને વધારે ગાળો આપે.'

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે મોદી કૂતરાના મોતે મરશે, એક નેતાએ કહ્યું મોદી હિટલરની મોત મરવાનો છે. કોઈ રાવણ કહે, કોઈ રાક્ષસ કહે, કોઈ કોકરોચ કહે, આ લોકોને ગુજરાતીઓ માટે આટલું બધું ઝેર કેમ છે?  PM મોદીએ જનતાને સવાલ કરતા કહ્યું કે, જે મોદીને તમે લોકોએ મોટો કર્યો હોય તે મોદીનું અપમાન એ તમારું અપમાન છે કે નહીં? તમે મને આવા સંસ્કાર આપ્યા છે?

(4:27 pm IST)