મુખ્ય સમાચાર
News of Friday, 2nd April 2021

કોરોના સંકટ વચ્ચે જંગની આશંકાથી વિશ્વને આંચકો

યુક્રેન તરફ આગળ વધી રહી છે રૂસી સેના

વાયરલ વિડીયોથી યુધ્ધની આશંકા ઘેરી બની

મોસ્કો, તા.૨: કોરોના સંકટ વચ્ચે શું દુનિયાએ યુદ્ઘનો પણ સામનો કરવો પડશે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે રશિયાની સેનાના એક વીડિયોએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાં તે યુક્રેનની સરહદ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. રશિયાની સેનાની બખ્તરબંધ ગાડીઓ, ટેન્ક અને અન્ય સૈન્ય સામગ્રીથી લદાયેલા વાહન યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. સેનાની મૂવમેન્ટ એટલી વધારે છે કે દુનિયા યુદ્ઘની આશંકાથી હચમચી ગઈ છે. ટ્રેનોને પણ સેનાના કામે લગાવવામાં આવી છે. આ મૂવમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ખુબ વધી ગયો છે. હાલમાં જ અમેરિકાથી સૈન્ય હથિયારોથી લદાયેલું એક કાર્ગો શિપ યુક્રેન પહોચ્યું. જેના પર રશિયાએ આકરી આપત્ત્િ। જતાવી હતી. રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકા વચ્ચે વધતી નીકટતાથી ચીડાયેલું છે. આ બાજુ અમેરિકી અધિકારીઓએ પણ ચિંતા વ્યકત કરી છે કે મોસ્કોની વધતી નારાજગીથી બંને દેશો વચ્ચે યુદ્ઘનું નવું જોખમ પેદા થઈ શકે છે.

નવભારત ટાઈમ્સના રિપોર્ટ મુજબ હજુ એ સ્પષ્ટ થઈ શકયું નથી કે યુક્રેનની સરહદે રશિયન સૈનિકોનો જમાવડો કયારથી શરૂ થયો. પરંતુ મોટાભાગે વાયરલ વીડિયોને ૨૭ માર્ચ બાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રશિયન વાયુસેનાના અનેક ફાઈટર વિમાનો પણ તે વિસ્તારમાં પોતાનું પેટ્રોલિંગ વધારી રહ્યા છે. અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાન પેન્ટાગનના પ્રવકતા જહોન કિર્બીએ કહ્યું કે અમે આ ભારી સૈન્ય મૂવમેન્ટને લઈને રશિયા પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.

અમેરિકી સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ક મિલેએ ોતાના રશિયન સમકક્ષ જનરલ વાલેરી ગેરાસિમોવ પાસે ૩૧ માર્ચના રોજ સૈન્ય મૂવમેન્ટ અંગે જાણકારી માંગી હતી. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે રશિયાએ અમેરિકી જનરલના આ સવાલનો જવાબ શું આપ્યો. અમેરિકી સેનાના જનરલે યુક્રેનની સેનાના કમાન્ડર ઈન ચીફ રુસલાન ખોમચ સાથે પણ વાત કરી છે. અત્રે જણાવવાનું કે રુસલાન ખોમચે ૩૦ માર્ચના રોજ યુક્રેનની સંસદમાં કહ્યું હતું કે રશિયન સંદ્ય અમારા દશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખી રહ્યા છે. રશિયાએ ઓછામાં ઓછા ૨૫ વધારાના ટેકિટક ગ્રુપને બોર્ડર વિસ્તારમાં તૈનાત કર્યા છે. આ બધા યુક્રેનની સરહદ પર પહેલેથી તૈનાત રશિયન સૈનિકો ઉપરાંત છે.

યુક્રેનના કમાન્ડર ઈન ચીફે એમ પણ કહ્યું કે વર્તમાનમાં રશિયાએ ક્રીમિયામાં લગભગ ૩૨,૭૦૦ સૈન્યકર્મી તૈનાત કરાયેલા છે. ૨૦૧૪માં ક્રીમિયાને જીત્યા બાદથી રશિયાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિને મજબૂત કરી છે. એક રિપોર્ટ મુજબ રશિયાએ આ સમગ્ર વિસ્તારને એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ અને સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ બેટરિયોથી લેસ કરાયેલો છે. રશિયા પૂર્વ યુક્રેનના વિસ્તારોમાં ૨૮,૦૦૦ હથિયારબંધ યુવકોને પણ તૈનાત કરેલા છે. આ લોકોને ડોનબાસ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૫થી યુક્રેની સરકાર વિરુદ્ઘ તેમણે સશસ્ત્ર જંગ છેડેલી છે. જો કે ક્રેમલિને તેની ના પાડી છે. પરંતુ એ વાતના પુરતા પુરાવા છે કે યુક્રેનની જમીન પર હજુ પણ રશિયાની સેનાના અનેક યુનિટ હાજર છે.

(10:17 am IST)