મુખ્ય સમાચાર
News of Sunday, 2nd April 2023

સંભાજીનગર બાદ જલગાંવમાં મૂર્તિ તોડવાને કારણે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

પોલીસે હિંસક અથડામણમાં ૧ર લોકોની અટકાયતઃ આ વિસ્‍તારમાં કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયોઃ હાલ સ્થિતિ સામાન્ય

મુંબઇઃ  સંબાજીનગર બાદ જલગાંગમાં મૂર્તિ તોડવાને કારણે બે જુથો વચ્‍ચે હિંસાક અથડામણ થઇ હતી. પોલીસે હિંસક અથડામણમાં ૧ર લોકોની અટકાયત કરી હતી. આ વિસ્‍તારોમાં કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. જલગાંવ જિલ્લાના એસપી એમ. રાજકુમારે ન્યૂઝ એજન્સી એનઆઈએને જણાવ્યું હતું કે અતરવાલ ગામમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હાલ સ્થિતિ સામાન્ય છે. મૂર્તિ ખંડિત થયા બાદ બે જૂથો સામસામે આવી ગયાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને જૂથોને શાંત પાડ્યા હતા. તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે લગભગ 3 દિવસ પહેલા ગત મહિનાની 30 તારીખે નમાઝના સમયે મસ્જિદની બહાર ગીતો વગાડવા માટે બે જૂથો સામસામે આવી ગયા હતા. બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે 2 FIR નોંધી હતી, જ્યારે 45 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

માત્ર જલગાંવમાં જ નહીં પરંતુ છત્રપતિ સંભાજીનગરમાં પણ રામ નવમી પર ભારે હોબાળો થયો હતો. શોભા યાત્રા દરમિયાન બે બાજુથી પથ્થરમારો અને આગચંપી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે સ્થિતિ સામાન્ય કરવા આવેલા અનેક પોલીસકર્મીઓ પથ્થરમારામાં ઘાયલ થયા હતા.

સંભાજીનગર પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ મામલાની તપાસ માટે SIT ટીમની રચના કરી છે. SIT ટીમે રમખાણો ભડકાવવા બદલ ચાર આરોપી ઈમરાન ખાન, સૈયદ કલીમ, કરીમ શેખ અને અનવર ખાનની ધરપકડ કરી છે. આ તમામને ગત શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે.

(11:55 am IST)