મુખ્ય સમાચાર
News of Monday, 2nd May 2022

પતિએ ચરિત્ર પર ઉઠાવ્‍યા સવાલ : અગ્નિપરીક્ષા આપવા તૈયાર થઇ પત્‍ની

ફેમિલી કોર્ટમાં વિચિત્ર મામલો

કાનપુર,તા.૨:  ઘરમાં પતિ-પત્‍ની વચ્‍ચે નાના-મોટા વિવાદ હંમેશા શરૂ જ હોય છે, પરંતુ જયારે આ સંબંધ કોર્ટમાં પહોંચે છે ત્‍યારે મામલો ગંભીર બની જાય છે. આટલું જ નહીં, કોર્ટમાં પતિ સાત ફેરા લેનાર પત્‍નીના ચારિત્ર્ય પર સવાલ કરે તો મામલો ચિંતાજનક બની જાય છે. કાનપુરની ફેમિલી કોર્ટમાં આવો જ એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે, જયાં પતિએ પત્‍નીના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્‍યા છે, તો પત્‍નીએ અગ્નિપરીક્ષા આપવાની દલીલ કરી. આ માટે મહિલાએ કોર્ટ પાસે લાઇ ડિટેક્‍ટર ટેસ્‍ટની માંગણી કરી છે. કોર્ટ આ મામલે આગામી સુનાવણી ૪ જૂને કરશે.

બાર્રાની રહેવાસી મહિલાના લગ્ન ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ થયા હતા. લગ્ન પછી તેમને એક પુત્ર પણ થયો. થોડા સમય પછી પતિએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો. તેના પર મહિલાએ ભરણપોષણ માટે અલગથી કેસ દાખલ કર્યો હતો. ભરણપોષણની અરજી ફગાવી દેવાના પતિએ આપેલા જવાબમાં પત્‍ની પર ચરિત્ર હિનતા અને દાંપત્‍ય અપવિત્રતાનો આરોપ મૂક્‍યો હતો.

આ જ કેસમાં શનિવારે એડિશનલ ફેમિલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પત્‍ની વતી અરજી આપતાં અગ્નિપરીક્ષા આપવાની વાત કહેવામાં આવી હતી. મહિલાએ તેની સામે લગાવેલા ચારિત્રહિનતા આરોપ સામે લાઇ ડિરેક્‍ટર ટેસ્‍ટ માટે અરજી કરી છે. કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં મહિલાએ કહ્યું કે તે જૂઠુ પકડનાર મશીનની સામે કહેશે કે તેના પતિ સિવાય અન્‍ય કોઈ સાથે તેના સંબંધ નથી. વરિષ્ઠ વકીલ કૌશલ કિશોર શર્માએ કહ્યું કે કોર્ટે મહિલાની અરજી પર સુનાવણી માટે ૪ જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે.

(11:22 am IST)