મુખ્ય સમાચાર
News of Monday, 2nd August 2021

સાગર રાણા મર્ડર કેસ : દિલ્હી પોલીસે 170 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું : ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારને મુખ્ય આરોપી ગણાવ્યો

ન્યુદિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં 23 વર્ષીય જુનિયર રેસલર સાગર રાણાની હત્યાના કેસમાં આજ સોમવારે દિલ્હી પોલીસે  રોહિણી કોર્ટમાં 170 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યું  છે. ચાર્જશીટમાં ઓલિમ્પિક મેડલ વિજેતા આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સુશીલ કુમારને મુખ્ય આરોપી તરીકે ગણાવાયો છે.

ચાર્જશીટમાં કુસ્તીબાજ સુશીલ કુમાર સહિત 20 જેટલા આરોપીઓના નામ સામેલ છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સતવીર સિંહ લાંબાની કોર્ટમાં દાખલ કરાયેલા ચાર્જશીટમાં પોલીસે  ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારને  હત્યાનો મુખ્ય આરોપી ગણાવ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પાંચ ફરાર છે.

ઉલ્લેખનીય છે કે 4 મેની રાત્રે કુસ્તીબાજ સુશીલ અને તેના સાથીઓએ કથિત રીતે સાગર રાણા અને તેના મિત્રો સોનુ મહેલ અને અમિત કુમારનું અપહરણ  કર્યું હતું અને પછી તેઓને છત્રસાલ સ્ટેડિયમમાં લઈ જઈને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેમાં સાગર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)