મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

કરોડો રૂપિયાના શાળા ભરતી કૌભાંડ મામલે પાર્થ ચેટર્જીનો દાવો : કહ્યું – જપ્ત કરાયેલ નાણાં તેમના નથી

EDના દરોડા દરમિયાન 3 ઘરમાંથી અંદાજે 50 કરોડ રૂ. મળ્યા : પાર્થ ચેટર્જીએ તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી તા.1 : મંત્રી પદેથી હટાવ્યા બાદ પાર્થ ચેટર્જીને TMCમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે વચ્ચે શાળા ભરતી કૌભાંડના કેન્દ્રમાં રહેલા પાર્થ ચેટર્જીએ રવિવારે દાવો કર્યો હતો કે, EDના દરોડા દરમિયાન મળેલા નાણાં તેમના નથી. જોકે, ED ના દરોડા દરમિયાન 3 ઘરમાં અંદાજે 50 કરોડની રોકડ રકમ મળી આવી હતી.

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, સમય આવશે ત્યારે તમને ખબર પડશે. ચેટર્જીએ કહ્યું કે, તેઓ એક ષડયંત્રનો શિકાર છે અને તેમને સસ્પેન્ડ કરવાના તૃણમૂલ કોંગ્રેસના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે,"આ નિર્ણય (મને સસ્પેન્ડ કરવાનો) નિષ્પક્ષ તપાસને અસર કરી શકે છે," એક સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા ચેટરજીએ તેમને મંત્રાલયમાંથી હટાવવાના પગલા અંગે કહ્યું કે, "તેમનો (બેનર્જીનો) નિર્ણય સાચો છે.

69 વર્ષીય ચેટરજીને વિવિધ વિભાગોના પ્રભારી મંત્રી તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમને TMCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. શહેરના કેટલાક ભાગોમાં તેમના નિવાસસ્થાનમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કર્યા પછી ED દ્વારા તેમની એક નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. ટીએમસી નેતૃત્વએ તેમની ટિપ્પણીઓ સામે આપત્તિ ઉઠાવતા કહ્યું કે, ચેટર્જી પોતાના ભાગ્ય માટે પોતે જ જવાબદાર છે.

(10:42 pm IST)