મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

મધ્યપ્રદેશના શહડોલમાં અમાનવીય બનાવ : હોસ્પિટલે ડેડબોડી માટે એમ્બ્યુલન્સ ન આપતા બાઇક પર મૃતદેહ લઈ જવો પડ્યો !

પુત્રોને ભારે હૈયે માતાનાં મૃતદેહને બાઈક સાથે બાંધીને 80 કિમી દૂર પોતાના ઘેર લઈ જવાની નોબત આવી

અનુપપુર તા.01 : મધ્યપ્રદેશમાં કેટલીક હોસ્પિટલો તો માનવતા છોડીને છેક છેલ્લે પાટલે બેસી જતી હોય તેવી ઘટનાઑ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં જોવા મળે છે કે, હોસ્પિટલ એક ડેડબોડી માટે એમ્બ્યુલન્સ ન આપતા પુત્રોને ભારે હૈયે માતાની લાશ બાઈક સાથે બાંધીને 80 કિમી દૂર પોતાના ઘેર લઈ જવાની નોબત આવી હતી.

અનુપપુરના ગુડારૂ ગામની રહેવાસી જયમંત્રી યાદવ નામની આ મહિલાને છાતીમાં તકલીફ થતાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલ શહડોલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મેડિકલ કોલેજમાં રેફરલના કારણે હાલત ખરાબ હતી. સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. પુત્રોએ માતાની લાશ લઈ જવા માટે હોસ્પિટલ પાસે એક એમ્બ્યુલન્સની માગ કરી હતી પરંતુ તેમને એમ્બ્યુલન્સ નહોતી આપવામાં આવી આથી ભારે હૈયે પુત્રો માતાની લાશને બાઈક પર બાંધીને 80 કિમી દૂર પોતાના ગામ લઈ ગયા હતા.

મૃત મહિલાના પુત્રોએ કહ્યું કે તેમને હોસ્પિટલમાં સારવાર મળી નથી કે મોત બાદ ડેડબોડી લઈ જવા વાહનની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. પ્રાઇવેટ બોડી ડ્રાઇવરે 5 હજાર રૂપિયા માંગ્યા હતા, પરંતુ પરિવાર પાસે એટલા પૈસા નહોતા. આખરે પુત્રોએ માતાના મૃતદેહને બાઇક પર ઘરે લઈ જવાનું યોગ્ય માન્યું. મૃતક મહિલાના પુત્રોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાની માતાની સારવાર કરાવવા માટે અનુપપુર જિલ્લાથી શહડોલ મેડિકલ કોલેજમાં આવ્યા હતા, પરંતુ અહીં યોગ્ય સારવારના અભાવે તેમની માતાનું મોત નીપજ્યું હતું. આ પછી, તેઓ બોડી વાહન ઇચ્છતા હતા, જે હોસ્પિટલ દ્વારા માંગ પર પણ આપવામાં આવ્યું ન હતું. આ પછી પુત્રોએ 100 રૂપિયાની કિંમતનો લાકડાનો સ્લેબ ખરીદીને લાશને તેની ઉપર બાંધી દીધી હતી અને બાઇક પર 80 કિમીનો પ્રવાસ કરીને અનુપપુર જિલ્લાના ગામ ગુડારૂમાં પોતાના ઘરે પહોંચ્યા હતા.

(11:18 pm IST)