મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

લાદેન બાદ હવે અલ-કાયદા ચીફ ઝવાહિરી ઠાર

અમેરિકાને મળી મોટી સફળતા : રવિવારે સવારે ડ્રોન હુમલામાં ઝવાહિરી ઠાર મરાયોઃ કાબુલમાં છુપાયો હતો : અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઇડને કરી પુષ્‍ટી

વોશિંગ્‍ટન,તા.૨: આતંકવાદ સામેના યુદ્ધમાં દુનિયાને વધુ એક સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલ છે કે અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ જાણકારી આપી. ખાસ વાત એ છે કે વર્ષ ૨૦૧૧માં ઓસામા બિન લાદેનનો ખાત્‍મો થયા બાદ તેને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

યુએસ પ્રમુખ જો બિડેને સોમવારે જવાહિરીના મૃત્‍યુની માહિતી આપી હતી. વ્‍હાઇટ હાઉસમાંથી પોતાના સંબોધનમાં બિડેને કહ્યું કે, ‘હવે ન્‍યાય થયો છે અને તે હવે આતંકવાદી નેતા નથી.'

આતંકવાદીના માથા પર $૨૫ મિલિયનનું ઇનામ હતું. અહેવાલ છે કે તે ૧૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૧ના હુમલામાં પણ સામેલ હતો, જેમાં લગભગ ૩૦૦૦ લોકોના મોત થયા હતા. રોયટર્સ અનુસાર, અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્‍યું કે અમેરિકાએ રવિવારે સવારે અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલ પર ડ્રોન હુમલો કર્યો.

યુએસ ગુપ્તચર અધિકારીઓએ ખાતરી કરી હતી કે માર્યો ગયો વ્‍યક્‍તિ જવાહિરી હતો. હુમલામાં અન્‍ય કોઈનું મોત થયું નથી.

તાજેતરમાં જ, જવાહિરીના મૃત્‍યુની અફવા ઘણી વખત સામે આવી હતી. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ લાંબા સમયથી બીમાર હતા. હવે આતંકવાદી નેતાના મૃત્‍યુથી સવાલો ઉભા થઈ રહ્યા છે કે ઓગસ્‍ટ ૨૦૨૧માં તાલિબાને કાબુલ પર કબજો મેળવ્‍યા પછી તેને આશ્રય આપવામાં આવ્‍યો હતો કે કેમ. રિપોર્ટ અનુસાર, અધિકારીએ કહ્યું કે તાલિબાન અધિકારીઓને શહેરમાં તેની હાજરીની જાણ હતી.

 

કાબુલમાં બાલ્‍કનીમાં ઉભો હતો ત્‍યારે ‘નિન્‍જા' મિસાઇલોએ ઝવાહિરીની ફુચ્‍ચા ઉડાવી દીધા

પાકિસ્‍તાનમાં ચલાવી આતંકની ફેકટરી : માથા પર હતુ ૨૦૦ કરોડનું ઇનામ

નવી દિલ્‍હી,તા.૨ : અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી રવિવારે યુએસ દ્વારા ડ્રોન હુમલામાં માર્યો ગયો. ૨૦૧૧ માં ઓસામા બિન લાદેનના મૃત્‍યુ પછી, યુએસએ કાબુલમાં ડ્રોન હુમલામાં વિશ્વના સૌથી મોટા આતંકવાદી સંગઠનોમાંથી એક અલ કાયદાના નેતાને મારી નાખ્‍યો હતો. ૨૦૧૧માં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ જવાહિરીએ અલ-કાયદા પર નિયંત્રણ મેળવ્‍યું હતું.

ઝવાહિરી ઇજિપ્તના ડોક્‍ટર હતા જે ઓસામાના ગયા પછી અલ કાયદાના વડા બન્‍યા હતા. અમેરિકાએ અલ-ઝવાહિરી પર $૨૫ મિલિયન (લગભગ ૨૦૦ કરોડ)નું ઈનામ રાખ્‍યું હતું. અમેરિકી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું કે અલ-ઝવાહિરી રવિવારે સવારે ૬.૧૮ વાગ્‍યે અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે. તેમણે એક સંબોધનમાં કહ્યું કે હવે ન્‍યાય થયો છે, અને આતંકવાદીઓનો નેતા માર્યો ગયો છે. જો બિડેને કહ્યું, પછી ભલે ગમે તેટલો સમય લાગે, તમે ગમે ત્‍યાં છુપાયેલા હોવ, જો આપણા લોકો માટે ખતરો હશે તો અમેરિકા તેમને શોધીને મારી નાખશે.ઙ્ઘ બિડેને જણાવ્‍યું હતું કે કેન્‍યા અને તાન્‍ઝાનિયામાં યુએસએસ કોલ અને યુએસ એમ્‍બેસીઓ પરના હુમલા પાછળ જવાહિરી માસ્‍ટરમાઇન્‍ડ હતો અથવા તેણે આ હુમલાઓમાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમેરિકી ગુપ્તચર એજન્‍સીએ અનેક ગુપ્ત માહિતી દ્વારા પુષ્ટિ કરી છે કે માર્યો ગયેલો વ્‍યક્‍તિ અલ-કાયદા ચીફ જવાહિરી હતો. તે કાબુલમાં એક સેફ હાઉસની બાલ્‍કનીમાં હતો ત્‍યારે ડ્રોને તેને ટક્કર મારી હતી. જવાહિરીના પરિવારના અન્‍ય સભ્‍યો પણ ઘટનાસ્‍થળે હાજર હતા પરંતુ હુમલામાં અન્‍ય કોઈને ઈજા થઈ ન હતી.

અલ કાયદાના વડા જવાહિરીને અગાઉ ઓસામા બિન લાદેનનો જમણો હાથ માનવામાં આવતો હતો અને કેટલાક નિષ્‍ણાતોનું માનવું હતું કે ૧૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૧ના યુએસમાં થયેલા હુમલા પાછળ ‘ઓપરેશનલ માઇન્‍ડ'નો હાથ હતો.

(11:09 am IST)