મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

મોહન ભાગવત સાથે શિંદે - ફડણવીસે કરી મુલાકાત

અમારી સરકાર હિન્‍દુત્‍વની વિચારધારા બની છે તેથી તેમના આશીર્વાદ લેવા ગયા : શિંદે

મુંબઇ તા. ૨ : મહારાષ્ટ્રના નવનિયુક્‍ત મુખ્‍યમંત્રી એકનાથ શિંદે સોમવારે મુંબઈના દાદરમાં RSSના વડા મોહન ભાગવતને મળ્‍યા હતા. શિંદેની સાથે ડેપ્‍યુટી સીએમ દેવેન્‍દ્ર ફડણવીસ પણ હતા. તેમની મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ પછી સીએમ શિંદેએ મોહન ભાગવતનું શાલ ઓઢાડીને સ્‍વાગત કર્યું હતું. ભાગવતે શિંદે અને ફડણવીસને પુસ્‍તકોનો સેટ પણ ભેટમાં આપ્‍યો હતો.

બેઠક બાદ એકનાથ શિંદેએ કહ્યું કે સીએમ અને ડેપ્‍યુટી સીએમનો કાર્યભાર સંભાળ્‍યા બાદ અમે આરએસએસ ચીફને મળ્‍યા હતા. અમે તેને પહેલા પણ મળ્‍યા છીએ. તેમણે કહ્યું કે અમારી સરકાર હિંદુત્‍વની વિચારધારા પર બની છે, તેથી અમે તેમના આશીર્વાદ લીધા છે. અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ વધારી રહ્યા છીએ.

આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્‍તરણ થવાનું છે, તેથી આ બેઠકને મહત્‍વની માનવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં મંત્રાલયની ફાળવણી પર વાત કરતા, સીએમ એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે રાજય કેબિનેટની રચના માટે મંત્રાલયોની ફાળવણી ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે રાજયના વિકાસ પર નાયબ મુખ્‍યમંત્રી સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

અગાઉ, નાયબ મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસ ૧૮ જુલાઈના રોજ લગભગ ૯.૧૫ વાગ્‍યે નાગપુર પહોંચ્‍યા હતા અને સંઘ મુખ્‍યાલયમાં ડો. મોહન ભાગવતને મળ્‍યા હતા. આ વાતચીત લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. જો કે તેમની મુલાકાત પાછળનું કારણ સ્‍પષ્ટ થયું નથી.

સીએમ એકનાથ શિંદેએ સોમવારે ૬૦મા સ્‍થાપના દિવસ પર MIDCના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સમર્થનથી મહારાષ્ટ્ર હવે વિકાસનું ડબલ એન્‍જિન બની ગયું છે. MIDCની શરૂઆત વાગલે એસ્‍ટેટથી થઈ. તેમણે કહ્યું કે અહીં કેટલીક ફેક્‍ટરીઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ તે ફરીથી ખુલી રહી છે. અહીં આઈટી પાર્ક આવી રહ્યા છે, જેનાથી રોજગારી વધશે.

બીજી તરફ ડેપ્‍યુટી સીએમ દેવેન્‍દ્ર ફડણવીસે કહ્યું કે MIDCએ મહારાષ્ટ્રને દેશમાં પ્રથમ સ્‍થાને લાવ્‍યું છે.તમામ રાજયો મોટા પાયે મહારાષ્ટ્રમાં ઉદ્યોગો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન ભારતને ૫ ટ્રિલિયનની અર્થવ્‍યવસ્‍થા બનાવવા માંગે છે, તેથી જ અમે મહારાષ્ટ્રને ૧ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બનાવીશું.

(1:20 pm IST)