મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

ઝોમેટો તેની કંપનીનું નામ બદલીને ઈટરનલ રાખી શકે

ઝોમેટોનુ નુકસાન ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકમાં ઓછું થયું : કંપની હવે પોતાના દરેક બિઝનેસને ચલાવવા માટે અલગ-અલગ સીઈઓ રાખવાનુ આયોજન કરી રહી છે

નવી દિલ્હી, તા.૨ : ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોનુ નુકસાન ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકમાં ઓછુ થયુ છે. હવે કંપની પોતાના નેતૃત્વના સ્ટ્રક્ચર સહિત ઘણી વસ્તુમાં પરિવર્તન કરાવવાના પ્લાન પર કામ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ઝોમેટોનુ મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનાવી શકે છે. કંપની હવે પોતાના દરેક બિઝનેસને ચલાવવા માટે અલગ-અલગ સીઈઓ રાખવાનુ આયોજન કરી રહી છે.

હાલ ઝોમેટોની પાસે કુલ ચાર બ્રાન્ડ છે. આ કારણથી મેનેજમેન્ટ એક પેરેન્ટ કંપની બનીને તમામને ઓપરેટ કરવાનુ આયોજન કરી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઝોમેટોના સંસ્થાપક અને સીઈઓ દીપિંદર ગોયલે કહ્યુ કે તેઓ એક એવી કંપની બનાવવાના પ્લાન પર કામ કરી રહ્યા છે, જ્યાં દરેક બિઝનેસને ચલાવવા માટે અમુક સીઈઓ હશે. તમામ એકબીજા સાથે મળીને કામ કરશે. દીપિંદર ગોયલ પેરેન્ટ કંપનીને રી-બ્રાન્ડ કરતા તેનુ નામ ઈટરનલ રાખી શકે છે. જોકે, સત્તાકીય રીતે કંપની તરફથી આ મુદ્દે કોઈ પણ પ્રકારનુ નિવેદન હજુ સુધી જાહેર કરાયુ નથી.

ઝોમેટો, બ્લિંકિટ, હાઈપરપ્યોર, ફીડિંગ ઈન્ડિયા હાલ કંપનીની પાસે આ ચાર બ્રાન્ડ છે. હવે ઝોમેટોના સંસ્થાપક અને સીઈઓ દીપિંદર ગોયલ આ તમામ કંપનીઓને એક પેરેન્ટ કંપની હેઠળ લાવીને ઓપરેટ કરવા ઈચ્છે છે. ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપના સીઈઓએ જણાવ્યુ કે ઈટરનલ અત્યાર માટે એક ઈન્ટરનલ નામ રહેશે. ઝોમેટોનુ નામ બદલાશે નહીં. જાણકારી અનુસાર કંપનીએ આ નામનો ઉપયોગ પોતાની કંપનીની ઓફિસોની અંદર કરવાનુ શરૃ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ આ તમામની સામે આવી જશે.

એપ્રિલ-જૂન ૨૦૨૨ ત્રિમાસિકમાં ઝોમેટોનુ કંસૉલિડેટેડ નુકસાન ઘટીને ૧૮૫.૭ કરોડ રૃપિયા રહ્યુ છે. ગયા વર્ષના પહેલા ત્રિમાસિક દરમિયાન આ આંકડા ૩૫૬.૨ કરોડ રૃપિયા રહ્યુ હતુ. જૂન ૨૦૨૨ પહેલાના ત્રિમાસિકમાં ઝોમેટોને ૩૫૯.૭ કરોડ રૃપિયાનુ નુકસાન થયુ હતુ. કંપનીના રેવન્યુમાં ૬૭.૪૪ ટકા નફો નોંધાયો છે. ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોનો રેવન્યુ ૮૪૪.૪ કરોડ રૃપિયા રહ્યુ હતુ.

જોકે, ઝોમેટોના શેરમાં આ વર્ષે ભારે ઘટાડો આવ્યો છે. ઝોમેટોના શેર આ વર્ષે ૬૭ ટકા કરવા વધારે ઘટ્યા છે. વર્ષની શરૃઆતમાં ૩ જાન્યુઆરી ૨૦૨૨એ ઝોમેટોના શેર ૧૪૧.૩૫ રૃપિયાના સ્તરે હતા. એક ઓગસ્ટ ૨૦૨૨એ આ ૪૬.૫૦ રૃપિયાના સ્તરે બંધ થયા હતા.

(7:26 pm IST)